For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં TRP ગેમ ઝોનના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા નેતાઓની અટકાયત

05:28 PM May 20, 2025 IST | revoi editor
રાજકોટમાં trp ગેમ ઝોનના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા નેતાઓની અટકાયત
Advertisement
  • કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી
  • પીડિયોને ન્યાય અપાવવા કોંગ્રેસ 6 દિવસ કાર્યક્રમો યોજશે
  • ઘટનાને વર્ષ વિતી ગયું છતાંયે મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી

રાજકોટઃ શહેરમાં એક વર્ષ પહેલા એટલે કે, ગઈ તા. 25 મે, 2024ને શનિવારની સાંજે શહેરના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ગેમ ઝોન પાસે ફાયર NOC જ નહોતું. સ્વજનો ગુમાવનારા પરિવારોને એક વર્ષે પણ ન્યાય મળ્યો નથી. આ ઘટનાની પ્રથમ વરસી નજીક આવતા પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં પાંચ દિવસ સુધી કોંગ્રેસ દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કર્યુ હતુ, સરકાર સામે વિરોધનો આજે કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. એક સમયે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના  ત્રિકોણબાગ ખાતે ભાજપ હાય હાય સહિતના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગથી મ્યુનિની કચેરી સુધીની રેલી શરૂ કરતાની સાથે જ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાની અટકાયત કરી લેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશરનો ઘેરાવ કરવાનું આયોજન કરાયું હતું, જેને લઈને સાવચેતીના ભાગરૂપે મ્યુનિ. કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મ્યુ. કમિશનર ભાજપનું પીઠું છે. અમારા દ્વારા તેઓને ફરિયાદી બની પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. છતાં આખું વર્ષ વીત્યા બાદ પણ તેમણે આવી કોઈપણ કાર્યવાહી કરી નથી. તેઓ ભાજપના નેતાઓનાં ઈશારે કામ કરી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડમાં દોષનો ટોપલો હાલમાં સાગઠિયા ઉપર ઢોળી દેવામાં આવ્યો છે, પરંતુ તેઓએ ડિમોલિશનની નોટિસ આપ્યા બાદ તેને અટકાવનાર કોઈ ભાજપના નેતા જ હોય તે સ્વાભાવિક છે. જેની સામે આજ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 મેં સુધી વિવિધ કાર્યક્રમો આપી તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવશે. તેમણે મ્યુનિની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં.

Advertisement

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, આગામી 25મી મેના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી સાચો ન્યાય મળ્યો નથી. અનેક તપાસો થઈ, અધિકારીઓની ધરપકડ થઈ, પરંતુ પીડિતોના આંસુ હજુ સુકાયા નથી. તેમજ પદાધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. આથી કોંગ્રેસ હવે ચૂપ બેસવા માંગતી નથી. પીડિતોને ન્યાય અપાવવા માટે તમામ સંભવ પ્રયાસો કરશે. આજે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારોના સભ્યો અને ન્યાય માટે લડનારા નાગરિકો દ્વારા પદયાત્રા યોજી મ્યુનિ. કમિશનરને રજૂઆતનો કાર્યક્રમ હતો. જોકે, આ પહેલા ત્રિકોણબાગથી તમામની નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે.  આવતી કાલે બુધવારે સવારે પોલીસ કમિશનરને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાની ગંભીરતાથી રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ બપોરના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ‘ન્યાય સંકલ્પ રથ’નું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રથ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે અને પીડિતો માટે ન્યાયની માંગણીને વધુ મજબૂત બનાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement