દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન: ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તેમજ કાયદા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ન્યાયપાલિકાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સમય અનુરૂપ ભવનો અને ટેકનોલોજીથી સુસજ્જ રાખવાની પીએમ નરેન્દ્ર મોદીની નેમ છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત હાઇકોર્ટ ખાતે આજે રૂપિયા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.
વર્ષ 1960માં ગુજરાત અલાયદું રાજ્ય બન્યું ત્યારે આકાશવાણી ભવન, નવરંગપુરા ખાતેથી શરૂ થયેલી ગુજરાત હાઇકોર્ટની સફર ઉત્તરોત્તર નવીનતમ સુવિધાઓ સાથે આગળ વધી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઇમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.
સુશાસન અને લોકતંત્રમાં ગુડ ગવર્નન્સની જરૂરિયાત વિશે જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભા એ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે.
આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે. લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ માટે કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ 2021 - 22માં આ ફાળવણી 1698 કરોડ રૂપિયા હતી , જે 2024-25માં 2586 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઈઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે.
ગુજરાત હાઇકોર્ટના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ જસ્ટિસ એ.વાય. કોગ્જે, જસ્ટિસ એ.એસ. સુપેહિઆ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ બ્રિજેશ ત્રિવેદી સહિત વિવિધ રાજ્યોની હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓ તથા બાર કાઉન્સિલના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.