મેઘરજમાં મોડીરાતે બે જુથ બાખડી પડ્યા, પથ્થરમારો, વાહનોમાં તોડફોડ
- સામાન્ય બાલોચાલી બાદ બે જુથ સામસીમે આવી ગયા,
- પથ્થરમારામાં હોમગાર્ડ સહિત 6 લોકો ઘવાયા,
- એસપી સહિત પોલીસના અધિકારીઓ દોડી ગયા
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગઈ મોડી રાતે સામાન્ય બોલાચાલીમાં બે જુથ બાખડી પડ્યા હતા. અને બન્ને જુથો દ્વારા સામસામે પથ્થરમારો કરાયો હતો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, સ્થિતિ તંગ બનતા પોલીસનો કાફલો દાડી આવ્યો હતો. પથ્થરમારામાં હોમગાર્ડ સહિત અડધો ડઝન જેટલા લોકો ઘવાયા હતા. આ બનાવની જાણ થતાં જ એસપી સહિત પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મેઘરજમાં ગત મોડીરાત્રે બે જૂથો સામાન્ય વાતે બાખડી પડ્યા હતા. સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ સામસામે આવી ગયાં હતાં. બન્ને જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ થતાં મધરાતે પોલીસ દોડતી થઇ હતી. જૂથઅથડામણની આ ઘટનામાં એક હોમગાર્ડ સહિત છ લોકોને ઇજા પહોંચી હતી. શાંતિ ન ડહોળાય એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઘરજમાં જૂના બસ સ્ટેન્ડની સામે ગામ તરફ જવાના રસ્તે ગત મોડીરાત્રે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉશ્કેરાયો હતો. એ બાદ બન્ને જૂથ સામસામે આવી જતાં પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ હતી અને ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેની જાણ આજુબાજુના સ્થાનિકોએ પોલીસને કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળે પોલીસકાફલો પહોંચે એ પહેલાં જ બન્ને જૂથોમાં કેટલાક તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ બાદ પોલીસ સ્થળ પર આવતાં બન્ને જૂથનાં ટોળાં અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. જોકે ભારે જહેમત બાદ પોલીસે બન્ને જૂથોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. મધરાતે થયેલી આ બબાલમાં એક હોમગાર્ડ સહિત છ લોકોને ઇજા પહોંચી છે.
આ ઘટના અંગે અરવલ્લી ASP સંજય કેશવાલાએ જણાવ્યું હતું કે મેઘરાજમાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ શાંતિનો માહોલ છે, એવો કોઈ મેજર લો એન્ડ ઓર્ડરનો ઈસ્યુ નથી.