ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. 3391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ
- ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે 4.50 લાખ જેટલા ખેડૂતો સભાસદ,
- ગુજરાતમાં 8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન,
- ગત વર્ષે 4.37 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન થયુ
ગાંધીનગરઃ દેશભરમાં તા. 14 થી 20 નવેમ્બર દરમિયાન 'રાષ્ટ્રીય સહકાર સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાના, સિમાંત અને આદિવાસી ખેડૂતો હોય છે, જેની અંદાજિત સંખ્યા 4.50 લાખથી વધુ છે. ખાંડ સહકારી મંડળીઓ ભારતની સાથે અન્ય દેશોમાં પણ ખાંડની નિકાસ કરે છે, જેનો સીધો લાભ શેરડી પકવતા ખેડૂતોને મળી રહ્યો છે.
રાજ્યમાં ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24 માં લગભગ 1.47 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન પિલાણ સિઝનમાં રૂ. 3391.60 કરોડ જેટલી માતબર રકમ શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવી છે. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ અંદાજે 20 થી 25 હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ 5.50 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પણ પૂરી પાડે છે. લગભગ રૂ. 4,000 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતો ગુજરાતનો સહકારી ખાંડ ઉદ્યોગ વિવિધ વેરાના રૂપે રાજય તેમજ કેન્દ્ર સરકારની તિજોરીમાં માતબર રકમ જમા કરવી પોતાનું યોગદાન આપે છે.
ગુજરાતમાં હાલમાં 15 સહકારી ખાંડના કારખાના કાર્યરત છે. જેની દૈનિક પિલાણ ક્ષમતા અંદાજિત 66.800 મે.ટન જેટલી છે. ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન પિલાણ સિઝનમાં લગભગ 85.74 લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી 10.35 ટકા રીકવરી સાથે 8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ પૈકી 9 ખાંડ સહકારી મંડળીઓ પાસે ડિસ્ટીલરી પ્લાન્ટ પણ છે, જેની રેકટીફાઇડ સ્પીરીટની ઉત્પાદન ક્ષમતા 356 કિલોલીટર દૈનિક તથા ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા 290 કિલોલીટર દૈનિકની છે.
ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ખાંડના ઉત્પાદનની સાથે સાથે ઇથેનોલનું ઉત્પાદન વધુ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં પેટ્રોલ સાથે ઈંધણ ગ્રેડ ઈથેનોલનું 20 ટકા મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત મોલાસીસ આધારિત ડિસ્ટીલરીઓની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા નર્મદા સુગર તથા ગણદેવી સુગર દ્વારા એક્ષપાન્શન પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવ્યા છે. સહકારી ખાંડના કારખાનાઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન 4.37 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજયમાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી સલ્ફરલેસ રીફાઈન્ડ સુગર બનાવતી સહકારી સંસ્થા છે, જે સ્પેન્ટવોશમાંથી ઓર્ગેનિક પોટાશ ખાતર પણ બનાવે છે. આ ઉપરાંત નર્મદા સુગર દ્વારા 30 મેગવોટનો તથા બારડોલી સુગર દ્વારા 21 મેગાવોટ જનરેશન પ્લાન્ટની સ્થાપના અંગેના પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં
આવ્યા છે.