લાલુ યાદવે બિહારની નીતિશકુમાર અને એનડીએ સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર
પટણાઃ દેશભરમાં લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે તો બીજી તરફ આ બહાને રાજકીય પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. બિહારમાં વર્ષ 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સરકારને પલટવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષના પહેલા દિવસે (બુધવાર) લાલુ યાદવે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં આરજેડી દ્વારા આપવામાં આવેલ સંદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં નવી સરકાર સત્તામાં આવશે ત્યારે જ હેપ્પી ન્યૂ યરની ઉજવણી કરવામાં આવશે. નીતીશ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી આ સરકાર છે ત્યાં સુધી હેપ્પી ન્યૂ યર મનાવવા યોગ્ય નથી. પૂરની સમસ્યા યથાવત્ રહે છે, પાક બરબાદ થાય છે અથવા તો ઓછા ભાવે વેચવો પડે છે. સરકાર તરફથી ન તો કોઈ ઉકેલ છે કે ન તો કોઈ રાહત. સરકાર તરફથી કંઈ થશે નહીં. નવી સરકાર આવશે ત્યારે જ કામદારો માટે નવું વર્ષ ઉજવવા જેવું રહેશે.
આ વીડિયો નવા વર્ષના પહેલા દિવસે જ રિલીઝ કરવામાં આવ્યો છે. ટેગ લાઇન આપવામાં આવી છે, "નવું વર્ષ, નવી સરકાર, નવો સંકલ્પ, નવું બિહાર." આ વીડિયોના અંતમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવની તસવીર પંચ લાઈન સાથે બતાવવામાં આવી છે. આ તસવીર પરથી સ્પષ્ટ છે કે આરજેડી તરફથી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ જ્યારે તેજસ્વી યાદવે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી ત્યારે તેઓ બિહાર બદલવાનો સંકલ્પ લેતા જોવા મળ્યા હતા. તેજસ્વી યાદવે લખ્યું, "નવા વર્ષ 2025માં, અમે નવી વિચારસરણી, નવી શક્તિ, નવા જોશ, નવા ઉત્સાહ, નવા સાહસ અને નવા સંકલ્પ સાથે બિહારને એક નવી દિશા અને નવા મુકામ પર લઈ જવાનો સંકલ્પ કરીએ છીએ. બિહારની આકાંક્ષાઓ પૂર્ણ થશે. બિહારને નંબર 1 રાજ્ય બનાવવા માટે આપણે એક ધ્યેય માટે કામ કરવું પડશે. તેમની પોસ્ટથી સ્પષ્ટ છે કે 2025ની ચૂંટણીની તૈયારીઓ હવે વેગ પકડવા જઈ રહી છે.