લાલુ પ્રસાદ યાદવે ઘાસચારા કૌભાંડ આચરી બિહારને બદનામ કર્યું : અમિત શાહ
પટનાઃ બિહારના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એ લાલુ પ્રસાદ યાદવ, તેમની પાર્ટી અને તેમના શાશન કાળને આડે હાથ લીધા સાથેજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી અને આરજેડી પર પણ નિશાન સાધ્યું.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ કરીને બિહારને બદનામ કરવાનું કામ કર્યું છે. આરજેડીના શાસનને જંગલ રાજ ગણાવતા તેમણે કહ્યું કે તેમના શાસનને જંગલ રાજ તરીકે યાદ રાખવામાં આવશે.
સહકારી વિભાગ દ્વારા પટનાના બાપુ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સંયુક્ત રીતે કર્યું હતું.બાપુ ઓડિટોરિયમ પહોંચતા કેન્દ્રીય મંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની હજારો કરોડ રૂપિયાની યોજનાઓનો ઓનલાઈન શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા અમિત શાહે લાલુ યાદવ પર સીધો રાજકીય હુમલો કર્યો અને કહ્યું કે આ લોકોએ ગરીબો માટે કોઈ કામ કર્યું નથી, જ્યારે NDA સરકારે રાશન, ઘર, વીજળી, રસોઈ ગેસ, દવા અને મફત રાશન આપવાનું કામ કર્યું. જો કોઈએ ગરીબો માટે કંઈક કર્યું હોય તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા.
તેમણે કહ્યું કે ચાર કરોડ લોકોને આવાસ આપવામાં આવ્યા, ૧૧ કરોડથી વધુ લોકોને ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા, ૧૨ કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા. ૮૧ કરોડ લોકોને ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને દર મહિને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો મફત અનાજ આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતો, મહિલાઓ અને મત્સ્યઉદ્યોગના કાર્યને વેગ આપવા માટે એક અલગ સહકારી મંત્રાલય બનાવવાનું કામ કર્યું. ૭૫ વર્ષ સુધી કોઈ સરકારે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કામ કર્યું નથી. પરંતુ, નરેન્દ્ર મોદીએ આ વિભાગને ગતિ આપી.
તેમણે દાવો કર્યો કે બિહાર એક એવો વિસ્તાર છે જ્યાં જમીન ફળદ્રુપ છે અને ત્યાં પુષ્કળ પાણીના સંસાધનો પણ છે. સહકારી ક્ષેત્રનો સૌથી મોટો ફાયદો બિહારને મળવાનો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે દેશના 30 ટકા ખાંડ ઉત્પાદન બિહારમાં થતું હતું, પરંતુ લાલુ યાદવના શાસનકાળ દરમિયાન, બધી ખાંડ મિલો બંધ થઈ ગઈ, અને ઉત્પાદન છ ટકા સુધી પહોંચી ગયું. તેમણે કહ્યું કે જો NDA સરકાર ફરીથી રચાશે તો બધી બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે જ્યારે પણ લાલુ યાદવની સરકાર આવી છે, બિહાર નીચે ગયું છે અને જ્યારે પણ NDA સરકાર બની છે, બિહારે પ્રગતિ કરી છે. તેથી, હું 2025 માં બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા અને ભારત સરકારને બિહારમાં કામ કરવાની તક આપવા અપીલ કરું છું. તેમણે કહ્યું કે બિહાર સમગ્ર દેશને રસ્તો બતાવે છે. નીતિશ કુમારના શાસનકાળમાં બિહાર વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.