ચંડોળા તળાવ વિસ્તારના કૂખ્યાત લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ
- લલ્લા બિહારી બોગસ ડોક્યુમેન્ટથી બાંગ્લાદેશીઓને મદદ કરતો હતો
- લલ્લા બિહારી 5 મકાનોમાં ચાર પત્નીઓ સાથે રહેતો હતો
- ક્યા રાજકીય નેતાઓનું રક્ષણ હતું તેની પણ તપાસ કરાશે
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં લલ્લા બિહારીના મકાનો, ઓફિસો પર પણ બુલડોઝર ફેરવી દેવાયા હતા. કહેવાય છે. કે, આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને આશરો આપીને લલ્લા બિહારી દ્વારા ફેક દસ્તાવેજો બનાવી અપાતા હતા. એમાં કેટલાક રાજકીય નેતાઓ અને કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું માનવામાં આવે છે. લલ્લા બિહારીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરીને તેને અમદાવાદ લાવી રહી છે, જ્યારે તેના દીકરા ફતેહ મોહમ્મદની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા. કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ સામે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઘણાબધા બાંગ્લાદેશીઓની અટકાયત કરતા તેમની પાસેથી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો લલ્લા બિહારીની મદદથી મેળવાયા હોવાનું કહેવાય છે, ક્રાઈમ બ્રાંચ અટક કરે તે પહેલા લલ્લા બિહારી ફરાર થઈ ગયો છે. અને પોલીસે લલ્લા બિહારીના પૂત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરી છે. ત્યારબાદ લલ્લા બિહારી રાજસ્થાનમાં હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન જઈને લલ્લા બિહારીની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા. આ દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે.
લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા હતા. લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેના પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડાં કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા છે. આ સાથે લલ્લા બિહારી પ્રસંગમાં રાજસ્થાનના ગયો હોવાની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, અને તેની ધરપકડ કરી છે.