લદ્દાખના પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ
લેહઃ લદ્દાખના જાણીતા સામાજિક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરી છે. તાજેતરમાં લદ્દાખમાં થયેલા હિંસક બનાવોની પૃષ્ઠભૂમિમાં આ પગલું ભરાયું છે. તેમની શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ પહેલાં જ અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ પગલાએ વિસ્તારમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે ચિંતાઓ વધી ગઈ છે.
આ ઘટનાથી એક દિવસ પહેલાં જ વાંગચુકની ગેરલાભકારી સંસ્થા સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)નું વિદેશી ફંડ મેળવવાનું રજીસ્ટ્રેશન ગૃહ મંત્રાલયે રદ્દ કરી દીધું હતું. ગુરુવારે જ વાંગચુકે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે લદ્દાખમાં થયેલી હિંસક ઘટનાઓ માટે તેમને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ માત્ર “બલિનો બકરો બનાવવા” જેવો છે. તેમણે કહ્યું હતું કે હકીકતમાં હિમાલયી પ્રદેશની મૂળ સમસ્યાઓથી સરકાર નજર હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
વાંગચુકે વધુમાં જણાવ્યું હતું કે તેઓ જનસુરક્ષા અધિનિયમ (PSA) હેઠળ થનારી ધરપકડ માટે તૈયાર છે. તેમનું કહેવું હતું કે, “આ હિંસા મારી કે કોંગ્રેસની પ્રેરણાથી થઈ છે એવો આક્ષેપ કરવો એ સમસ્યાના મૂળ પર ધ્યાન આપવાને બદલે બલિનો બકરો શોધવા જેવું છે. તેનાથી કોઈ ઉકેલ આવશે નહીં.”