ચોટિલામાં સવા બે કરોડના ખર્ચે બનાવેલા એસટી બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ
- નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડમાં પંખા અને લાઈટ્સની પુરતી સુવિધા નથી
- પૂછપરછનું કાઉન્ટર પણ બંધ હાલતમાં
- ચા-નાસ્તાના સ્ટોલ પણ મોટાભાગે બંધ જોવા મળતા હોય છે
ચોટીલાઃ યાત્રાધામ ચોટિલામાં તાજેતરમાં જ નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. નવા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ હોવાથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમી હોવા છતાંયે પુરતા પંખાઓ પણ લગાવાયા નથી. તેમજ પુરતી લાઈટો પણ ફીટ કરવામાં નથી આવી તેથી રાતના સમયે પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. અમે મોટી સમસ્યા એ છે કે પૂછપરછની બારી ખૂલતી નથી. અને લાંબા રૂટની એસટી બસો બસ સ્ટેન્ડમાં આવ્યા વિના હાઈવે પરથી બારોબાર પસાર થઈ જાય છે.
ચોટિલામાં રૂપિયા 2.21 કરોડના ખર્ચે નવનિર્મિત બસસ્ટેન્ડનું બે-ત્રણ દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું છે. એસટી બસ સ્ટેન્ડ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાનો દાવો કરવામાં આવે છે. પણ બસસ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. લોકાર્પણના પ્રથમ દિવસે જ બસસ્ટેન્ડમાં અંધારું છવાયેલું હતું. પ્રવાસીઓની ફરિયાદ બાદ લાઈટો ચાલુ કરવામાં આવી હતી. પંખાની પણ પુરતી સુવિધા નથી. પૂછપરછ કાઉન્ટર પર કોઈ કર્મચારી હાજર રહેતા નથી. ચા-નાસ્તાના સ્ટોલ પણ બંધ છે., કેટલાક બસ ચાલકો હજુ પણ બસસ્ટેન્ડનો ઉપયોગ કરતા નથી. તેઓ પ્રવાસીઓને હાઈવે પર જ ઉતારી દે છે. આના કારણે પ્રવાસીઓને બસ પકડવા માટે હાઈવે પર દોડવું પડે છે.
આ મુદ્દે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે મામલતદાર મારફતે ડેપો મેનેજરને સૂચના આપવામાં આવશે. બસસ્ટેન્ડમાં બસો આવે અને પંખા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.