ખેડા નજીક વાત્રક નદીમાં ડૂબેલા શ્રમિકનો 48 કલાક બાદ પણ પત્તો મળ્યો નહીં
- ખેડા ફાયર વિભાગના 25 કર્મચારીઓ સહિત 2 બોટથી 10 કિમીના પટ્ટામાં શોધખોળ જારી,
- 42 વર્ષીય ભાનુભાઈ બારૈયા નદી ઓળંગતી વખતે ડૂબી ગયા હતા,
- આંબલિયા ભાઠાથી લઈને વાસણા ટોલ સુધી નદીમાં શ્રમિકને શોધવાના પ્રયાસો જારી,
નડિયાદઃ ખેડા નજીક વાત્રક નદી ઓળંગવા જતા એક શ્રમિક પાણીના પ્રવાહમાં તણાતા લાપત્તા બન્યો છે. મજૂરીકામ કરીને ઘરે પરત ફરતી વખતે નદી ઓળંગતી વખતે 42 વર્ષીય ભાનુભાઈ અંબાલાલ બારૈયા (રહે. આંબલીયા ભાઠા, ખેડા) ડૂબી ગયા હતા. શનિવારે બપોરે આશરે 12 વાગ્યાના સુમારે બનેલા આ બનાવના 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં, હજી સુધી તેમની લાશ મળી નથી, જેને પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, ભાનુભાઈ બારૈયા નામના શ્રમિક છૂટક મજૂરી કરીને પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા. ત્યારે વાત્રક નદી પસાર કરતી વખતે તેઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીના કાંઠા ઉપર કપડાં ધોવા આવેલી મહિલાઓએ શ્રમિકની બુમો સાંભળી હતી અને તેની જાણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આ બનાવની જાણ થતાં જ ખેડા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે રવિવારના દિવસે SDRF ની મદદ પણ લેવામાં આવી હતી. આ રેસ્ક્યુ કામગીરીમાં કુલ 25થી વધુ જવાનો જોડાયા છે. SDRF અને ફાયર વિભાગની ટીમ બે બોટ દ્વારા આશરે 10 કિલોમીટરના લાંબા પટ્ટામાં ભાનુભાઈની શોધખોળ કરી રહી છે. આંબલિયા ભાઠાથી લઈને વાસણા ટોલ સુધી નદીમાં ડૂબકી મારીને તેમને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.પણ હજુ કોઈ પત્તો લાગ્યો નથી.
ભાનુભાઈ બારૈયા આસપાસના ગામોમાં છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં તેમના મોટા ભાઈ છે. પરિવારના મુખ્ય આધાર સમાન વ્યક્તિના આ રીતે અચાનક ડૂબી જવાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં લાશ ન મળતા પરિવારની ચિંતા વધી છે, અને ભાનુભાઈને શોધવાની કામગીરી હજી પણ ચાલુ છે.