ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજા સામેનો પાસાનો હુક્મ રદ કરાતા જેલમુક્ત થશે
- મંદિરની આરતીના વિવાદમાં ગઈ તા.5મી જુલાઈએ પાસામાં ધરપકડ થઈ હતી,
- જાડેજાની ધરપકડના વિરોધ ક્ષત્રિય સમાજમાંથી ભારે વિરોધ ઊઠ્યો હતો,
- સરકાર પર દબાણ આવતા પાસાનો હુક્મ રિવોક કરાયો
અમદાવાદઃ રાજકોટના એક મંદિરમાં મહાઆરતીના મુદ્દે એક કારખાનેદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણી પી ટી જાડેજા વચ્ચે માથાકૂટ થઈ હતી. આવા સામાન્ય બનાવમાં રાજકોટ પોલીસે ક્ષત્રિય સમાજના અગ્રણી પી ટી જાડેજા સામે પાસા હેઠળ ધરપકડ કરીને સાબરમતી જેલમાં મોકલી અપાયા હતા. આ મામલે ક્ષત્રિય સમાજમાં સરકાર સામે ભારે વિરોધ ઊઠ્યો હતો. અને રાજકીય કારણોસર જાડેજા સામે પાસાનું હથિયાર ઉગામવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા. દરમિયાન ક્ષત્રિય સમાજના અન્ય અગર્ણીઓ તેમજ સમાજના રાજકીય આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળીને રજુઆત કરાયા બાદ રાજ્ય સરકારે પાસાનો ઓર્ડર રિવોક કર્યો છે.
ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની રાજકોટ પોલીસે પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલ હવાલે કરી દીધા હતા. જાડેજાની ધરપકડના વિરોધમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ પાસા રીવોક કરવા માંગ કરાઈ હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો છે અને આજે મંગળવારે જાડેજા જેલમાંથી છૂટકારો થશે
આ બનાવની વિગત એવી હતી કે, રાજકોટ શહેરના સાંઇનગર વિસ્તારમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા)ના ઘરે ગત તા.4ની રાત્રિના તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી તે રાત્રે જ તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દીધા હતા. આ ઘટનાના ક્ષત્રિય સમાજમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા. બીજી બાજુ પાંચેક દિવસ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રૂબરૂ મળ્યા હતા અને પી.ટી.જાડેજા સામે મનીલેન્ડ અને ધમકી આપવા અંગેના બે જ ગુના હોવા છતાં રાજકોટ પોલીસે તેમને ટાર્ગેટ કરી પાસા કર્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સોમવારે રાજ્યના ગૃહ વિભાગે પી.ટી.જાડેજા સામેનો પાસાનો હુકમ રિવોક કર્યો હતો. રાજકોટથી સમાજના આગેવાનો પી ટી જાડેજાને માનભેર લઇ આવવા અમદાવાદ ખાતે પહોંચી ગયા છે.