ક્રાન્તિગુરૂ શ્યામજી ક્રિશ્ના વર્મા કચ્છ યુનિવર્સિટીના 20મા યુવક મહોત્સવનો કાલેથી પ્રારંભ થશે
- બે દિવસીય યુવક મહાત્સવમાં 1100 વિદ્યાર્થીઓ ભાગ લેશે,
- વિવિધ સ્પર્ધાઓ સાથે ફૂડ ફેસ્ટિવલ અને સંગીત કાર્યક્રમ યોજાશે,
- યુવા કલાકારો દ્વારા કાલે બોલિવુડ એન્ડ ફોક કયુઝન કાર્યક્રમ યોજાશે
ભૂજઃ ક્રાન્તિગુરૂ શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટીનો 20મો યુવક મહોત્સવ ‘કલાકૃતિ 2025 આવતી કાલે તાય 17મી સપ્ટેમ્બરથી બે દિવસ યોજાશે. આ યુવક મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બે દિવસીય યુવક મહોત્સવમાં 1100 જેટલા વિદ્યાર્થીએ ભાગ લેશે.
ક્રાન્તિગુરૂ શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટીનો 20મો યુવક મહોત્સવ ‘કલાકૃતિ 2025નો આવતીકાલે દબદબાભેર પ્રારંભ થશે. આ યુવા મહોત્સવમાં વકતૃત્વ સ્પર્ધા, ડીબેટ, ક્વીઝ, શાસ્ત્રીય કંઠય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત (સ્વર), શાસ્ત્રીય વાદ્ય સંગીત (તાલ), હળવું કંઠય સંગીત, પશ્વિમી કંઠય સંગીત, સમૂહગીત (ભારતીય), સમૂહગીત (પશ્વિમી), એકાંકી લઘુ નાટક, મૂક અભિનય, મિમિક્રી, એકપાત્રીય અભિનય, તત્કાળ ચિત્રકળા, રંગોળી, કાર્ટુનિંગ, કોલાજ, કલે મોડલીંગ, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબિકલા, મહેંદી, ઈન્સ્ટોલેશન (વેસ્ટમાંથી બેસ્ટ), લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય સહિતની સ્પર્ધાઓમાં યુવાઓ પોતાની પ્રતિભા રજૂ કરશે. જેમાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોની 45 ટીમોમાંથી 1100 સ્પર્ધકો ભાગ લેનાર છે.
આ યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષ કુલપતિ ડો. મોહન પટેલ, મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર આનંદ પટેલ, યુવા મહોત્સવમાં સમાપન સત્રમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા ઉપસ્થિત રહેશે. યુથ આઈકોન સંગીતકાર અને કલાકાર નંદલાલ છાંગા અને અનિરૂધ્ધ આહિર ઉપસ્થિત રહેશે. કાલે તા.17ના રાત્રે 8 કલાકે કચ્છના યુવા કલાકારો દ્વારા બોલિવુડ એન્ડ ફોક કયુઝન કાર્યક્રમનું આયોજન કરાયું છે. વિશેષમાં ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે.આ 20મા યુવા મહોત્સવથી યુવા પ્રતિભાઓની સર્જન થશે અને તેઓની કલાને પ્રોત્સાહન મળશે.
આ યુવા મહોત્સવના યુવા પ્રતિભાઓની સર્જનાત્મક અભિવ્યકિત માણવા અને તેઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીગણ, નગરજનો અને વાલીઓને નિમંત્રણ અપાયું છે. આ યુવા મહોત્સવની જવાબદારી સંયોજક ડો. સી.એસ.ઝાલા અને સહસંયોજક ડો.શિતલ બાટી સંભાળી રહ્યા છે.