રાજઘાટ ઉપર વિઝિટર્સ બુકમાં પુતિને શું લખ્યું, જાણો...
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે પોતાના ભારત પ્રવાસ દરમિયાન રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે વિઝિટર્સ ડાયરીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
પુતિને વિઝિટર્સ ડાયરીમાં લખ્યું કે, "આધુનિક ભારતના સ્થાપકોમાંના એક, મહાન દાર્શનિક અને માનવતાવાદી મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વમાં શાંતિના ઉદ્દેશ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્વતંત્રતા અને પરોપકાર વિશેની તેમની વિચારધારા આજે પણ સુસંગત બની રહેલી છે."
પુતિને વધુમાં લખ્યું કે આજના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારત અને રશિયા મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને મૂલ્યોનું સાથે મળીને સમર્થન કરી રહ્યા છે. આ ટિપ્પણી, પીએમ મોદી દ્વારા પુતિનને ભેટમાં આપવામાં આવેલી રશિયન ભાષાની શ્રીમદ ભાગવત ગીતા અને ગાંધીજીના શાંતિના સિદ્ધાંતો વચ્ચેના ઊંડા જોડાણને દર્શાવે છે.