મહિલાની છેડતી અંગે તપાસ કરીને FIR લેવાનું કહેતા કિન્નરોએ વેજલપુર પોલીસ સ્ટેશન માથે લીધું
- પથ્થરમારો કરીને પોલીસ સ્ટેશનના કાચ તોડ્યા
- કિન્નરોએ અન્ય કિન્નરોને બાલાવી લઈને હંગામો મચાવ્યો
- પોલીસે બે કિન્નરની કરી અટકાયત
અમદાવાદઃ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કિન્નરો એક મહિલાને લઈને છેડતીની ફરિયાદ કરવા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ફરિયાદમાં કોઇ તથ્ય નહીં લાગતા અંતે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. ફરિયાદ નહીં લેતા પોલીસ સ્ટેશનમાં કિન્નરોએ ધમાલ મચાવી દીધી હતી. પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવીને પથ્થરમારો કર્યો હતો જેમાં સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું હતું. પોલીસે બે કિન્નરોની અટકાયત કરી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહે સોનમ દે મેમણ, કામીની દે, સિલ્કદે, હિનાદે, નગમાબાનુ વિરૂદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડીને આતંક મચાવવાની પોલીસ ફરિયાદ કરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કેટલાક કિન્નરો એક મહિલાને લઇને વેજલપુર પોલીસ સ્ટેશન આવ્યા હતા. કિન્નરોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે, નગમાબાનુ નામની મહિલા બે દિવસ પહેલા પોતાના ઘરે હતી. ત્યારે ઉસ્માનપુરા ખાતે આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતો સંજય વ્યાસ બે શખસોને લઇને આવ્યો હતો. સોનમ દે અને નગમાબાનુ સગી બહેનો છે અને સંજય વ્યાસ સોનમ દેને સારી રીતે ઓળખે છે. સંજય વ્યાસ જ્યારે આવ્યો ત્યારે નગમાબાનુને કહ્યું કે, સોનમ ઉર્ફે ઇસ્માઇલ મેમણ ક્યાં છે. નગમાએ જવાબ આપ્યો કે, સોનમ ઘરે હાજર નથી. એકલતાનો લાભ લઇને સંજય વ્યાસે નગમાબાનુ સાથે શારીરિક અડપલા કર્યા હતા. અને સંજય વ્યાસે તેના ખીસ્સામાંથી છરી કાઢી હતી અને નગમાના ગળા પર મુકીને કહેવા લાગ્યો હતો કે, જો બુમાબુમ કરીશ તો તને જાનથી મારી નાખીશ. સંજય તેના નગમાબાનુના ઘરમાંથી સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ કાઢીને લઇ ગયો હતો. સંજય વ્યાસે કરેલી હરકતોને લઇને નગમાબાનુ સહિત કિન્નરો પોલીસ ફરિયાદ કરવા માટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.
આ બનાવ બાદ નગમાબાનુની બહેન સોનમદેએ આરોપીઓની તરતજ પકડી લેવાની પોલીસ સમક્ષ માગ કરી હતી. પણ કિન્નરોએ કરેલી રજૂઆત પર પોલીસને શંકા ગઇ હતી. જેથી તેમને જવાબ આપ્યો હતો કે તમારી રજૂઆતની ખાતરી કર્યા બાદ જો સાચી હકીકત લાગશે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે.પણ કિન્નરોએ ખોટી ફરિયાદ દાખલ કરવા માટેનું દબાણ ઉભું કરીને માહોલ તંગ કરી દીધો હતો. સોનમ દે એ તરતજ ફોન કરીને બીજા કિન્નરોને પોલીસ સ્ટેશનમાં બોલીવી લીધા હતા. માહોલ ગરમાય તે પહેલા પોલીસ કર્મચારીઓએ કિન્નરોને વેરવીખેર થઇ જવા માટેના આદેશ આપી દીધા હતા. પોલીસની વાત નહીં માનતા કિન્નરો વેરવિખેર થયા નહીં અને બીજા કિન્નરોને બોલાવી દીધા હતા. સોનમ દેએ ધમકી આપી કે, જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવેતો અમે અહીંયા મરી જઇશું. દરમિયાનમાં એક કિન્નરે તેની પાસે રહેલું પેટ્રોલ કાઢ્યુ હતું, પરંતુ પોલીસે બળનો ઉપયોગ કરીને બોટલ ઝુંટવી લીધી હતી. વિફરેલા કિન્નરોએ પોતાના કપડા ઉંચા કરીને જાહેરમાં બીભસ્ત હરકતો કરવાની શરૂ કરી દીધી હતી અને પોલીસ કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી. માહોલ ગરમાતો હતો ત્યારે એક કિન્નરે પથ્થર લઇને પોલીસ સ્ટેશન પર ફેંક્યો હતો જેથી મુખ્ય દરવાજાનો કાચ તૂટી ગયો હતો. પોલીસે તેમને શાંતિ રાખવાનું કહ્યું હતું, પરંતુ તે હદ બહાર જઇ રહ્યા હતા અને ફરિયાદ દાખલ કરવા માટે દબાણ ઉભું કરી રહ્યાં હતા. દરમિયાનમાં સોનમ દે સહિતના કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે ધમપછાડા કરવા લાગ્યા હતા.
દરમિયાન માહોલ ગરમાય નહીં તે માટે સર્વેલન્સ સ્ક્વોડના PSI એમ.ટી.પઠાણ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ કિન્નરોની અટકાયત કરવાની શરૂઆત કરી લીધી હતી ત્યારે દોડધામ મચી ગઇ હતી. પોલીસથી બચવા માટે કિન્નરો ભાગવા લાગ્યા હતા જેમાં કેટલાક લોકો પડી જતા તેમને ઇજા પહોંચી હતી. વેજલપુર પોલીસે સોનમદે સહિત બે કિન્નરોની અટકાયત કરીને પુછપરછ કરી હતી. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.