ખો-ખો વર્લ્ડ કપ 2025 દિલ્હીમાં યોજાશે, સલમાન ખાન અને ટાઈગર શ્રોફ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
આ વર્ષે ખો-ખો વર્લ્ડ કપ 2025 નું આયોજન દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે. જેમાં 24 દેશોના 800 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે હશે. સલમાન ખાન અને ટાઈગર શ્રોફ ગેમના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
આ ટુર્નામેન્ટ માત્ર રમતની ઉત્તેજનાને જ નહીં, પરંતુ ખો-ખોને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અપાવશે. ખો-ખો ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલ છે, હવે તેને નવા સ્વરૂપમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેની પુરૂષ અને મહિલા બંને ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે છે. આ વર્લ્ડ કપ પછી ખો-ખોને ઓલિમ્પિકમાં જવાનો મોકો મળશે. ખો-ખો વર્લ્ડ કપ 2025 ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે આ ગેમનું ડિજિટલ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઈ-વર્ઝન પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. ખેલાડીઓ અને દર્શકો તેને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
ખો-ખોના પ્રમોશન માટે બોલિવૂડના બે મોટા નામ સલમાન ખાન અને ટાઈગર શ્રોફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ બંને સ્ટાર્સની લોકપ્રિયતા સાથે આ ગેમ વધુ લોકો સુધી પહોંચશે. આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને માત્ર સ્પર્ધા કરવાની તક જ નહીં મળે, પરંતુ તેઓ પોતાના દેશને ગૌરવ અપાવશે. KKFI ના જનરલ સેક્રેટરી એમએસ ત્યાગીએ આ વર્લ્ડ કપને એક્શન અને રોમાંચથી ભરેલો ગણાવ્યો છે. તે કહે છે કે, ખો-ખોની રમતને વૈશ્વિક પ્લેટફોર્મ પર વધુ ઓળખ મળશે, તો આ રમત માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ઓળખ બનાવશે.