સુરતના ભાજપના મહિલા નેતાના આપઘાત કેસમાં ખટોદરા પીઆઈને તપાસ સોંપાઈ
- ભાજપના કોર્પોરેટર ચિરાગનો મોબાઈલ ફોન જપ્ત કરાયો,
- દીપિકા પટેલને ટિકિટ અપાવવા બે કરોડ પડાવ્યાની ચર્ચા,
- પોલીસ હજુ હવામાં જ તીર મારી રહી છે,
સુરતઃ શહેરમાં અલથાણના ખાતે રહેતી ભાજપ મહિલા નેતાના આપઘાતનો કેસમાં પોલીસ હજુ અંધારામાં તીર મારી રહી છે. આ કેસમાં ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીનો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો છે. જો કે પોલીસને હજુ સુધી આપઘાત પાછળ સંકળાયેલા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જો કે, અત્યાર સુધી અલથાણ પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. હવે ખટોદરા પીઆઇ રબારીને તપાસ સોંપવામાં આવી છે. બીજીબાજુ ભાજપ નેતા દીપિકા પટેલના પરિવારજનોએ મૌન સેવી લીધુ છે. લોકચર્ચા એવી છે કે, દીપિકા પટેલને મ્યુનિની ટિકિટ આપવાના નામે બે કરોડ રૂપિયા પડાવી લેવામાં હતા.
આ કેસની વિગતો એવી છે કે, સુરતમાં અલથાણામાં ભીમરાડ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતી અને વોર્ડ નંબર 30ની ભાજપ મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ દીપિકા નરેશ પટેલે દ્વારા કોઈ કારણોસર પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણમા શરૂઆતની તપાસ અલથાણ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બ્રહ્મભટ્ટ કરતા હતા, પરંતુ હવે આ તપાસ ખટોદરા પોલીસ મથકના પીઆઈ બી આર રબારીને સોંપવામાં આવી છે. આ કેસમાં પોલીસને હજુ કોઈ નક્કર સુરાગ ન મળતા હવે FSLની મદદ પણ લેવામાં આવી છે. દીપિકા પટેલના ફોનને એફએલમાં મોકલવામાં આવ્યો છે. આ સાથે જ કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીનો પણ મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. જોકે દીપિકા પટેલે લખેલી સુસાઇડ નોટ કે અન્ય કોઇ સંયોગીક આધારરૂપ ચીજવસ્તુ મળી નથી. દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ ચિરાગ સોલંકી જ સૌપ્રથમ તેના ઘરે પહોંચ્યો હતો. દીપિકાનો મૃતદેહ પોલીસને જાણ કર્યા વિના ફાંસા પરથી ઉતાર્યો હતો, દીપિકા સાથેના સંબંધ અંગે ચિરાગ સામે આક્ષેપો થઇ રહ્યા છે. આ પ્રકરણમાં પોલીસની ભુમિકા પણ ખુબ જ મહત્વની પુરવાર થશે.
સૂત્રોના કહેવા મુજબ દીપિકા પટેલ આત્મહત્યાના કેસમાં તેના પરિવારજનોએ મૌન ધારણ કર્યુ છે અને કોઈ સામે શંકા પણ નથી કરી, ત્યારે આ મામલો વધુ ઘેરાયો છે. હવે સવાલ એ છે કે, જ્યારે જો બધું જ સરખું જ હતું તો પછી દીપિકાએ આપઘાત સુધીનું પગલું ભરવાની ફરજ પડી જ કેમ? પોલીસે આ ભેદભરમ ઉજાગર કરવા હાલ દીપિકા અને નગરસેવક ચિરાગ સોલંકીના મોબાઈલ ફોન કબજે કરી લીધા છે. કોલ ડિટેઇલ અને સોશિયલ મીડિયાના ચેટ અંગે લેબના રિપોર્ટ બાદ જાણી શકાશે.