ભાવનગર જિલ્લામાં ખરીફ પાકનું 3.43 લાખ હેકટરમાં થયું વાવેતર
- જિલ્લામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર,
- સાર્વત્રિક વરસાદથી 16 આની પાકની ખેડૂતોના આશા,
- તુવેરનું વાવેતર 600 હેકટરમાં થયું
ભાવનગરઃ ગોહિલવાડમાં આ વખતે સમયસર સારો વરસાદ પડવાને લીધે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. જિલ્લામાં આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં કપાસ અને મગફળી સહિત વિવિધ પાકોનું કુલ વાવેતર 3,55,500 હેકટર થઇ ગયુ છે. એક મહિના પહેલા ચોમાસુ શરુ થયું ત્યારે કુલ વાવેતર 12,600 હેકટર જમીનમાં થયું હતુ તે હવે 3,42,900 હેકટર વધીને 3,55,500 હેકટર થઇ ગયું છે. જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર 1,97,700 હેકટરમાં અને બીજા નંબરે મગફળીનું વાવેતર 1,10,100 હેકટર જમીનમાં થયું છે.
ભાવનગર જિલ્લામાં આ વર્ષે આરંભથી જ સાર્વત્રિક વરસાદથી પાક અને પાણીની સ્થિતિ સારી છે ત્યારે ખેડૂતો દ્વારા વાવણીનું કાર્ય પૂરજોશમાં શરૂ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવણીમાં ભાવનગર જિલ્લામાં કપાસ પ્રથમ ક્રમે છે. કપાસનું વાવેતર 1,97,700 હેકટરમાં થયું છે. જ્યારે મગફળીનું વાવેતર 1,10,100 હેકટર જમીનમાં પૂર્ણ થઇ ગયું છે. આ ઉપરાંત, ઘાસચારાનું 35,500 હેક્ટરમાં અને શાકભાજીનું 5,200 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે બાજરાનું વાવેતર પણ 5100 હેકટરમાં થયું છે. તુવેરનું વાવેતર 600 હેકટર, મગનુ઼ વાવેતર 500 હેકટર, અડદનું 100 હેકટર, તલનું વાવેતર 500 હેકટરમાં થયું છે. સોયાબીનનુ઼ વાવેતર 200 હેકટરમાં થયું છે. આમ, સારો વરસવાના પગલે ખેડૂતો માટે ખેતીમાં અનુકૂળતાભર્યો સમય બન્યો છે.
જિલ્લામાં કુલ વાવેતર જમીનમાં 79 ટકાથી વધુ વાવેતર થવા પામ્યું છે. હાલમાં નીકળેલા વરાપ અને થોભાયેલા વરસાદથી વાવેતરને લાભ થશે. ઉનાળુ બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લાનો રાજ્યમાં ત્રીજો નંબર છે. પ્રથમ નંબરે બનાસકાંઠા 60,100 હેકટર વાવેતર સાથે છે. જ્યારે કચ્છનો 17,000 હેકટર વાવેતર સાથે બીજો અને ભાવનગર જિલ્લાનો 5,100 હેકટર વાવેતર સાથે રાજ્યમાં ત્રીજો નંબર છે.
કપાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં મુખ્ય થાય છે. જેમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે સુરેન્દ્રનગર જિલ્લો 3,66,900 હેકટર કપાસના વાવેતર સાથે છે જ્યારે બીજા નંબરે 2,66,000 હેકટર વાવેતર સાથે અમરેલી જિલ્લો છે. ત્રીજા નંબરે 2,06,000 હેકટર સાથે મોરબી જિલ્લો અને ચોથા ક્રમે 1,97,700 હેકટર વાવેતર સાથે ભાવનગર જિલ્લો છે. આમ, પ્રથમ ચારેય જિલ્લા સૌરાષ્ટ્રના જ છે.