રાજકોટના માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક, યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી
- રાજકોટના યાર્ડમાં 21000 મણ મગફળીની આવક થઈ, 8500 મણ કપાસ,
- જીરૂ, અને સફેદ તલની પણ આવક થઈ,
- યાર્ડમાં જણસીઓ વેચવા માટે ખેડૂતો લાંબી લાઈનો લાગી
રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ગણાતા રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં દિવાળીનાં તહેવારો પહેલા વિવિધ જણસીઓનું વેંચાણ કરવા ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં મંગળવારે એક જ દિવસમાં કુલ 600 વાહનોમાં મળી 21000 મણ મગફળી, 8500 મણ કપાસ તેમજ જીરું અને સફેદ તલ સહિતની વિવિધ જણસીની નોંધપાત્ર આવક થઈ હતી. એક જ દિવસમાં મોટા પ્રમાણમાં જણસીઓની આવક થવા છતાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે યાર્ડના સત્તાધીશોએ ઉતરાઈની વ્યવસ્થા કરી હતી.
સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળી, કપાસ સહિત ખરીફ પાકનું સારૂએવુ ઉત્પાદન થયુ છે. હાલ ખેડૂતો મગફળી અને કપાસ સહિત ખરીફ પાક વેચવા માટે રાજકોટ યાર્ડમાં આવી રહ્યા છે. દિવાળીનાં તહેવારોમાં યાર્ડ બંધ રહેવાના હોવાથી હાલ પોતાની જણસીઓ વેચવા માટે ખેડૂતો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. મંગળવારે યાર્ડમાં મુખ્ય જણસીઓની વાત કરીએ તો મગફળીની 21,000 મણ, કપાસની 8,500 મણ, સફેદ તલની 5,500 મણ અને જીરુંની 3,700 મણની આવક થઈ હતી.
રાજકોટ યાર્ડમાં મગફળીની આવક 21,000 મણ સાથે સર્વોચ્ચ રહી હતી, જે સૂચવે છે કે આ વર્ષે મગફળીનો પાક વિપુલ પ્રમાણમાં થયો છે અને ખેડૂતો સમયસર તેનો નિકાલ કરવા માંગે છે. આ ઉપરાંત, કપાસની 8500 મણ આવક પણ નોંધપાત્ર છે, જે કાલાવડ, જસદણ, ગોંડલ અને સૌરાષ્ટ્રના અન્ય કપાસ પકવતા વિસ્તારોના ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર છે. જ્યારે જીરું અને સફેદ તલ જેવા રોકડિયા પાકની આવક અનુક્રમે 3700 અને 5500 મણ રહેતા યાર્ડમાં ચારેબાજુ જણસીઓના થપ્પા લાગ્યા હતા.