જાફરાબાદના ખાલસા કંથારિયા ગામે બાળકીનો શિકાર કર્યા બાદ સિંહણ પાંજરે પુરાઈ
- વન વિભાગની ટીમે આખી રાત મેગા ઓપરેશન હાથ ધરીને સિંહણને પાંજરે પુરી,
- સિંહણે બાળકીને ખેંચી જઈને ફાડી ખાધી હતી,
- સિંહણને ટ્રાન્કયૂ લાઈઝ કરી પાંજરે પુરી દીધી હતી
અમરેલીઃ જિલ્લામાં ધારી, જાફરાબાદ સાવરકુંડલા, લીલીયા, રાજુલા સહિતનો વિસ્તાર સિંહોને અનુકૂળ આવી ગયો હોય તેમ સિંહોની વસતી વધતા જાય છે. તેમજ આ વિસ્તારોમાં દીપડાની વસતીમાં પણ વધારો થયો છે. જંગલ વિસ્તામાંથી સિંહ-દીપડા હવે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને શિકાર કરે એ રૂટિન થઈ ગયું છે. ત્યારે તાજેતરમાં જ જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો. આઅથી વનવિભાગે સિંહણને પાંજરે પુરવા માટે ગત રાતથી જ ઓપરેશન હાથ ધર્યું હતું. આખી રાત મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ વહેલી સવારે સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી. સિંહણને ટ્રન્કયુ લાઈઝ દ્વારા બેભાન કરીને પાંજરે પુરવામાં આવી હતી.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં સાંજના સમયે સિંહણ એક વાડી વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીને જડબામાં ઝકડીને દુર લઇ ગઇ હતી. જેની જાણ પરિવારજનોએ વન વિભાને કરતાં વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય હીરા સોલંકી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અનિરુદ્ધ વાળા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય અને આખા ગામ દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા છે. જોકે, બાળકીના ઘણા અંગો મળ્યા ન હતા. વન વિભાગે બાળકીના અંગોની અને સિંહણની શોધખોળ હાથ ધરી હતી. વનવિભાગના વિવિધ અધિકારીઓની ટીમે સિંહણને પાંજરે પુરવા "મેગા ઓપરેશન" હાથ ધર્યું હતું. DCF જયન પટેલ સહીત ડોક્ટરોની ટીમોએ સિંહણને પકડવા આખી રાત કામગીરી કરી હતી. જે બાદ વહેલી સવારે સિંહણને ટ્રાન્કયૂ લાઈઝ કરી પાંજરે પુરી દીધી હતી. સિંહણને પાંજરે પૂર્યા બાદ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગને મોટી સફળતા મળી છે.