For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેરળઃ કથિત બળાત્કાર કેસમાં સંડોવાયેલા મનાતા અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયા

04:00 PM Sep 25, 2024 IST | revoi editor
કેરળઃ કથિત બળાત્કાર કેસમાં સંડોવાયેલા મનાતા અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયા
Advertisement

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે મલયાલમ સિનેમામાં 'MeToo' કેસમાં અભિનેતા સિદ્દીકને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ કેરળ પોલીસ હવે અભિનેતાની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. પૂર્વ અભિનેત્રી દ્વારા તેમની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં કોર્ટે સિદ્દીકની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયાની અટકળો વહેતી થઈ છે. પોલીસે સિદ્દીકીના ઠેકાણાને શોધવાના પ્રયાસો તેજ કર્યા છે અને લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.

Advertisement

કોર્ટના નિર્ણયના થોડા કલાકો બાદ જ એરપોર્ટ પર તેમની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતા ફરાર થઈ ગયો હોવાની અટકળો વચ્ચે તેમણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હોવાનું જાણવા મળે છે. પોલીસે કહ્યું કે સિદ્દીકની ધરપકડમાં વિલંબ કરવા માટે કોઈ ટેકનિકલ આધાર નથી. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા કોચીમાં તેના ઘરે પણ નથી.

એક અભિનેત્રીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સિદ્દિકે 2016 માં તિરુવનંતપુરમની એક સરકારી હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. અહેવાલો અનુસાર, પીડિતાએ શરૂઆતમાં આ ઘટનાની જાણ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ગયા મહિને હેમા સમિતિના અહેવાલ જાહેર થયા પછી તે આગળ આવી હતી. રિપોર્ટમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓ દ્વારા થતા વ્યવસ્થિત દુર્વ્યવહાર અને ઉત્પીડન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેના કારણે કેટલીક ભૂતપૂર્વ અભિનેત્રીઓને તેમના શોષણની વાર્તાઓ શેર કરવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.

Advertisement

અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે સિદ્દીકીએ તેને તમિલ ફિલ્મમાં ભૂમિકા આપવાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જ્યારે તેણીએ ના પાડી, ત્યારે અભિનેતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સિદ્દીક તાજેતરમાં મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. આરોપો સપાટી પર આવતાં જ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેના પગલે અભિનેતા મોહનલાલની આગેવાની હેઠળની સમગ્ર સમિતિએ પણ પદ છોડવું પડ્યું હતું.

સિદ્દિકે આરોપોને નકારી કાઢ્યા છે અને આરોપ લગાવ્યો છે કે ફરિયાદી 2019 થી સોશિયલ મીડિયા પર વારંવાર પાયાવિહોણા દાવા કરીને તેને હેરાન કરી રહી છે. સિદ્દીકના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ અગાઉ 2016 માં એક થિયેટરમાં તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ હેમા સમિતિના અહેવાલ પછી જ તેણે તેના આરોપોને બળાત્કારમાં અપગ્રેડ કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement