કેરળ: અભિનેતા અને CPI(M) ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો
- પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો
- એક રિપોર્ટ બાદ અનેક જાણીતા કલાકારો સામે લાગ્યાં ગંભીર આરોપ
કોચીઃ જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા અને શાસક માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અભિનેત્રીએ મુકેશ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. મલયાલમ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા એમ.મુકેશ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોચી શહેરના મરાડુ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) હેઠળ અભિનેતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારતીય દંડ સંહિતા હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે કારણ કે કથિત અપરાધ ભારતીય દંડ સંહિતાના અમલ પહેલા થયો હતો.
જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ વિવિધ નિર્દેશકો અને કલાકારો પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારથી, મલયાલમ ફિલ્મ ઉદ્યોગના 'હાઈ પ્રોફાઇલ' વ્યક્તિત્વ સામે આ ત્રીજી FIR છે. અગાઉ, તિરુવનંતપુરમ 'મ્યુઝિયમ પોલીસે' બુધવારે અભિનેતા સિદ્દીકી વિરુદ્ધ આઠ વર્ષ પહેલાં હોટલમાં એક અભિનેત્રી પર બળાત્કારનો કેસ નોંધ્યો હતો.