જાટ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવા માટે કેજરિવાલે PM મોદીને લખ્યો પત્ર
નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેન્દ્રની OBC યાદીમાં દિલ્હીના જાટ સમુદાયનો સમાવેશ કરવા અંગે એક પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે લખ્યું કે, તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી યાદીમાં સામેલ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 10 વર્ષથી ઓબીસી અનામતના નામે જાટ સમુદાય સાથે છેતરપિંડી કરી છે. 2015 માં, તમે જાટ સમુદાયના નેતાઓને તમારા ઘરે બોલાવ્યા હતા અને વચન આપ્યું હતું કે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ જ રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપા અને આમ આદમી પાર્ટી દ્વારા એક-બીજા ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. તા. 5મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન યોજાશે.