દિલ્હીમાં પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે પણ તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ પ્રદુષણને ઘટાડવાની દિશામાં પગલા લેવા માટે નિર્દેશ કર્યો હતો. બીજી તરફ સરકાર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યો છે. દરમિયાન દિલ્હીની સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ પ્રદુષણને કન્ટ્રોલ કરવા માટે તંત્ર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિને જોતા દિલ્હીમાં સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીએમ આતિશીએ જણાવ્યું હતું કે, દિલ્હી સરકારની ઓફિસોનો સમય સવારે 10 થી સાંજના 6:30 સુધી કરાયો છે. સીએમ આતિષીએ કહ્યું કે આ નિર્ણયને પગલે ટ્રાફિકની સમસ્યામાં પણ ઘણી હદે રાહત થશે. સીએમ આતિશીએ ટ્વિટર પર લખ્યું હતું કે, "દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસો સવારે 8:30 થી સાંજે 5 વાગ્યા સુધી, કેન્દ્ર સરકારની ઓફિસો સવારે 9 થી સાંજે 5:30 અને દિલ્હી સરકારની ઓફિસો સવારે 10 થી સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે."
દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને શુક્રવારે (15 નવેમ્બર) સવારે 8 વાગ્યાથી GRAPનો સ્ટેજ 3 લાગુ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, રાજધાનીમાં 106 વધારાની ક્લસ્ટર બસો ચાલશે અને મેટ્રો ટ્રેન 60 વધારાની ટ્રિપ્સ કરશે.