ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રખાયું
ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણી પૂરતા પ્રમાણે મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સલાહકાર રાઠૌર, નર્મદા નિગમના સી.એમ.ડી. મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ(નર્મદા) સી.વી. સોમ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ સહિત કુલ 207 જળાશયોમાં 14269.73 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને કચ્છ જિલ્લામાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન થાય તેને ધ્યાને લઈને ટપ્પર ડેમમાં વર્ષ દરમિયાન જરૂરિયાત પ્રમાણે નર્મદા કેનાલથી પાણી ભરવા અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પૂરતા પ્રમાણમાં નર્મદા જળ ઉપલબ્ધ કરાવવા અંગે સરદાર સરોવર નર્મદા નિગમને જણાવ્યું હતું.
પાણી પુરવઠા વિભાગના આંકડા મુજબ, રાજયના કુલ 18152 ગામો-292 શહેરો પૈકી 15720 ગામો-251 શહેરોને 372 જેટલી જુથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં 10659 ગામો-190 શહેરોને નર્મદા આધારીત યોજનાથી તેમજ 5061 ગામો તથા 61 શહેરોને અન્ય ડેમ આધારીત યોજનાથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
અગ્ર સચિવ શાહમીના હુસેને જણાવ્યું હતું કે, પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે ગાંધીનગરમાં 24X7 કંટ્રોલ રૂમ અને 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. તેની અને હેન્ડ પંપ રિપેરીંગ માટે 119 જેટલી ટીમો નિયુક્ત કરવામાં આવી છે.