કાનપુરઃ વાહનમાં થયેલા બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ફટાકડાને કારણે થયો વિસ્ફોટ
લખનૌઃ કાનપુરના મેસ્ટન રોડ પર આવેલા મિશ્રી બજારમાં બુધવારની સાંજે અચાનક બે વાહનમાં જોરદાર ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓ ગભરાઈ ગયા હતા. આ વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સોશિયલ મીડિયામાં વિવિધ અફવાઓ ફેલાતાં પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરી કે, આ કોઈ આતંકી હુમલો નહોતો, પરંતુ નીચી તીવ્રતાવાળો (લો ઈન્ટેન્સિટી) વિસ્ફોટ હતો, જે ગેરકાયદેસર ફટાકડાઓ સાથે જોડાયેલો છે.
પોલીસે સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે જણાવ્યું કે, વિસ્ફોટ ફટાકડાઓને કારણે થયો હતો. આ પછી પોલીસે મિશ્રી બજાર અને આસપાસના વિસ્તારોમાં વિશાળ શોધ અભિયાન હાથ ધર્યું, જેમાં 18 દુકાનો અને ગોડાઉન તપાસવામાં આવ્યા હતા. બે ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરાયાનું સામે આવતા તેને સીલ કરાયા હતા. વિસ્ફોટ બાદ પોલીસ પ્રશાસને બેદરકારી બદલ કડક પગલા લીધા છે. મૂળગંજ થાનાના SHO સહિત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત, સંબંધિત સર્કલના ACPને પણ હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઘટના સ્થળ પોલીસ સ્ટેશન નજીક જ હતું, છતાં વિસ્તાર પર યોગ્ય દેખરેખ ન રાખવામાં આવી હતી, જેના કારણે આ પ્રકારનો ગેરકાયદેસર સંગ્રહ ચાલતો રહ્યો.
ઘાયલ થયેલા મહંમદ મુરસલીને જણાવ્યું કે ધડાકો એટલો જોરદાર હતો કે તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેમના હાથ અને પગ બળી ગયા છે અને હાલ તેમને સાંભળવામાં મુશ્કેલી પડી રહી છે. ઈજાગ્રસ્ત જૂબિનની માતા જેહરાએ જણાવ્યું કે તેમનો પુત્ર બજારમાં ચશ્માની દુકાનમાં કામ કરતો હતો અને ઘટના સમયે તે ત્યાં હાજર હતો. અચાનક સ્કૂટીમાં ધડાકો થતાં ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો અને જુબિન ગંભીર રીતે દાઝી ગયો છે. પોલીસે અત્યાર સુધીમાં 12 શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, કાનપુર જેવા ઘીચા વિસ્તારમાં આ પ્રકારની ઘટના સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હવે પોલીસ મિશ્રી બજાર અને આસપાસના વિસ્તારોમાં વધારાની સુરક્ષા અને દેખરેખની તૈયારી કરી રહી છે. કાનપુર પોલીસ કમિશ્નર રઘુવીર લાલે જણાવ્યું કે પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ આતંકી ઘટના નહીં, પરંતુ ફટાકડાના ગેરકાયદેસર ભંડારને કારણે થયેલો વિસ્ફોટ છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોલીસની તપાસમાં સહયોગ આપે. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે અને વિસ્ફોટક સામગ્રીને તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવી છે.