કાલિયા ગ્રેનેડ હુમલો કેસ: ઝીશાન અખ્તર હુમલાનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો
પંજાબ પોલીસે એક મોટી સફળતામાં મનરંજન કાલિયા ગ્રેનેડ હુમલાનો કેસ માત્ર 12 કલાકમાં ઉકેલી નાખ્યો છે. આ હુમલામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે હુમલામાં વપરાયેલી ઈ-રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ એક ઊંડું ષડયંત્ર હતું જેમાં આતંકવાદી અને ગેંગસ્ટર નેટવર્કનું જોડાણ પ્રકાશમાં આવ્યું છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝીશાન અખ્તર છે, જે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. ઝીશાન પહેલાથી જ બાબા સિદ્દીક હત્યા કેસમાં વોન્ટેડ છે અને તેની ગતિવિધિઓ પર પહેલાથી જ નજર રાખવામાં આવી રહી હતી. પોલીસનું માનવું છે કે આ હુમલો પંજાબમાં ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી સરહદ પારથી આયોજિત હુમલો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ આ હુમલામાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંડા અને ગેંગસ્ટર હેપ્પી પાસિયાના સંબંધોની પણ તપાસ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરવા માટે સૂચનાઓ અને સમર્થન ભારત-પાકિસ્તાન સરહદ પારથી મળ્યું હતું.
જાલંધર પોલીસ કમિશનર ધનપ્રીત કૌરે જણાવ્યું કે રાત્રે લગભગ 1 વાગ્યે અમને અહીં વિસ્ફોટની માહિતી મળી, ત્યારબાદ અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. ભાજપના નેતા મનોરંજન કાલિયાએ કહ્યું કે તેમણે ગડગડાટનો અવાજ સાંભળ્યો.
ભાજપ નેતાએ કહ્યું, "વિસ્ફોટ રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો. હું સૂઈ રહ્યો હતો અને મને લાગ્યું કે તે ગડગડાટનો અવાજ છે. પછીથી, મને કહેવામાં આવ્યું કે વિસ્ફોટ થયો છે. મેં મારા ગનમેનને પોલીસ સ્ટેશન મોકલ્યો. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા." સીસીટીવી તપાસમાં જાણવા મળ્યું કે એક માણસ ઈ-રિક્ષામાં આવ્યો, તેણે હેન્ડ-ગ્રેનેડનો લીવર કાઢીને પૂર્વ મંત્રીના ઘર પર ફેંક્યો. જે બાદ એક મોટો વિસ્ફોટ થયો.