ન્યાયમૂર્તિ સૂર્યકાંતે 53મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધાઃ જુઓ વીડિયો
નવી દિલ્હી, 24 નવેમ્બર, 2025: Justice Suryakant ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સોમવારે ભારતના 53મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ તેમને શપથ લેવડાવ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી ન્યાયમૂર્તિ સૂર્યકાંતની શપથવિધિ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મંત્રીમંડળના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જસ્ટિસ સૂર્યકાંત 2027ની 9 ફેબ્રુઆરી સુધી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત રહેશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે તેઓ કલમ 370, બિહાર SIR તેમજ પેગાસસ સ્પાયવેર કેસ જેવા મહત્ત્વના કેસોમાં કાંતો બેન્ચના જજ તરીકે અથવા બેન્ચના વડા તરીકે કામગીરી કરી હતી.
10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના પેટવર ગામે જન્મેલા 1984માં રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી હતી. તેમણે હિસાર જિલ્લા કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને પછી ચંદીગઢ સ્થળાંતર કર્યું હતું. ત્રણ દાયકા પછી જજ તરીકેની કામગીરી દરમિયાન તેમણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી.
વર્ષ 2000માં માત્ર 38 વર્ષની ઉંમરે તેઓ હરિયાણાના એડવોકેટ જનરલ બન્યા હતા. 2004માં તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ બન્યા હતા. તેમણે 2018માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા અને મે, 2019માં તેમની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ થઈ હતી.