દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સુર્યકાંતની ભલામણ, CJI ગવઈએ મોકલ્યો પ્રસ્તાવ
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કેન્દ્રના કાયદા મંત્રાલયને જસ્ટિસ સુર્યકાંતના નામની ભલામણ કરી છે, જે આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત થવાના છે. હાલના મુખ્ય ન્યાયાધીશ ગવઈ 23 નવેમ્બરએ નિવૃત્ત થવાના છે. સિનિયોરિટી અનુસાર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુર્યકાંત હાલના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ 24 નવેમ્બરે દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે અને તેઓ 9 ફેબ્રુઆરી, 2027 સુધી, આશરે 15 મહિના સુધી આ પદ પર રહેશે.
10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના પેટ્વર ગામમાં જન્મેલા સુર્યકાંતનું બાળપણ સામાન્ય પરિવારમાં વિત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં પૂર્ણ કર્યું હતું અને 1981માં હિસારની ગવર્નમેન્ટ પીજી કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. બાદમાં 1984માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. તે જ વર્ષથી તેમણે હિસાર જિલ્લા અદાલતમાં વકિલાતની શરૂઆત કરી હતી અને 1985માં ચંડીગઢ સ્થિત પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. ટૂંક સમયમાં જ તેમણે સંવિધાનિક, સેવા અને નાગરિક મુદ્દાઓ પરની ઊંડી સમજ અને મજબૂત દલીલો દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.
જસ્ટિસ સુર્યકાંતની ન્યાયિક કારકિર્દી હંમેશા સામાજિક મુદ્દાઓ અને ન્યાય માટેની સંવેદનશીલતા માટે જાણીતી રહી છે. તેમણે જાહેર સંસાધનોનું સંરક્ષણ, જમીન અધિગ્રહણ, પીડિતોના અધિકાર, આરક્ષણ અને સંવિધાનિક સંતુલન જેવા વિષયો પર અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. 7 જુલાઈ, 2000ના રોજ તેઓ હરિયાણાના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત થયા, અને તે પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા. આગળના વર્ષે તેમને સિનિયર એડવોકેટનો દરજ્જો મળ્યો. 9 જાન્યુઆરી, 2004ના રોજ તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. બાદમાં 5 ઑક્ટોબર, 2018ના રોજ તેમને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેમના ન્યાયિક દ્રષ્ટિકોણ અને પ્રશાસન કુશળતાની વ્યાપક પ્રશંસા થઈ હતી.
મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર’ મુજબ, સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ અને યોગ્ય ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. વર્તમાન CJI ગવઈના નિવૃત્તિ પહેલાં એક મહિના જેટલો સમય બાકી હોય ત્યારે કાયદા મંત્રાલય દ્વારા તેમની ભલામણ માગવામાં આવે છે. જસ્ટિસ સુર્યકાંતની નિયુક્તિ સાથે દેશને મળશે એક સંવેદનશીલ, અનુભવી અને ન્યાયપ્રતિ પ્રતિબદ્ધ મુખ્ય ન્યાયાધીશ, જેમની ન્યાયિક દૃષ્ટિ અને સામાજિક સમર્પણ બંને માટે વિશેષ ઓળખ છે.