જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોનુ ડસ્ટબિન ખરીદવાનું કથિત કૌભાંડ
- બજારમાં એજ કંપનીનું 145માં મળતા ડસ્ટબીન 170માં ખરીદાયા,
- બે લાખ ડસ્ટબિનનો ઓર્ડર અપાતા વિરોધ,
- તટસ્થ તપાસ કરવાની માગ ઊઠી
જૂનાગઢઃ શહેરની ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ડસ્ટબિન ખરીદીના કથિત કૌભાંડનો મામલો લોકચર્ચાને એરણે ચડ્યો છે. મ્યુનિ. દ્વારા ઊંચાભાવે ડસ્ટબીન ખરીદીનું મસમોટું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે. સ્વચ્છતા મિશન અંતર્ગત તમામ ઘરોને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા માટે 10-10 લીટરની બે-બે ડસ્ટબિન આપવાનું બજેટમાં નક્કી કરાયું હતું. દરમિયાન ગત વર્ષે 92,000 લોકોએ જ હાઉસ ટેક્ષની ભરપાઇ કરી હતી. તેમને છતાં એક લાખ લોકોની ગણતરી કરીને 2 લાખ ડસ્ટબિનના ઊંચા ભાવે ઓર્ડર અપાયા છે. ડસ્ટબિનના અમદાવાદની એક કંપનીને ઓર્ડર અપાયો છે. જેમાં જૂનાગઢ મ્યુનિએ બે લાખ ડસ્ટબિન જથ્થાબંધ ભાવે પ્રતિનંગ રૂપિયા 170ના ભાવ નક્કી કરાયો છે. જ્યારે આજ જ કંપનીના 10 લીટરના ડસ્ટબિનનો ભાવ જૂનાગઢ શહેરમાં જ 145ના ભાવે છૂટકમાં વેંચાઇ રહ્યો છે. જો જૂનાગઢમાં 140ના ભાવે એક ડસ્ટબિન વેચાતું હોય તો એકીસાથે વધુ ભાવે જથ્થાબંધ ખરીદી કેવી રીતે કરવામાં આવી એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.
મ્યુનિના અધિકારીઓના કહેવા મુજબ જુનાગઢ મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય મુજબ ડસ્ટબિનનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. જાણીતા બ્રાન્ડના ડસ્ટબિન ખરીદી કરવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીનો હતો. અમે તો તેના ઠરાવ મુજબ ડસ્ટબિનની ખરીદી કરી છે. અમદાવાદની જાણીતી કંપનીએ જીએસટી સાથે 3,40,00,000ના ભાવ સામે 3,25,08,000નો ભાવ આપ્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશનમાં અગાઉ પણ આવું બન્યું હતુ. 3 ઓગસ્ટ 2022માં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરાયો હતો જેમાં 150 રૂપિયાના ભાવે ડસ્ટબિન ખરીદવાનું મંજુર કરાયું હતું. તા 3 માર્ચ 2023માં તે સમયના મેયર ગીતાબેન પરમારે કમિશનરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં જણાવાયું હતું કે, દિલ્હીની કંપની દ્વારા ડસ્ટબિન મંગાવવાની પ્રકિયા હાથ ધરાઇ રહી છે જેમાં નબળી ગુણવત્તા હોય એજન્સી રદ કરવા જણાવાયું હતું.