સંયુક્ત સંસદીય સમિતિ વકફ સુધારા વિધેયક અંગે રાજ્યો પાસેથી સૂચનો લેશે
નવી દિલ્હીઃ વકફ સુધારા વિધેયક પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ હવે રાજ્યના પ્રતિનિધિઓના મૌખિક પુરાવા રેકોર્ડ કરવા માટે બેઠક કરશે. આ બેઠકો 26 અને 27 ડિસેમ્બરે યોજાશે. એવું કહેવાય છે કે સમિતિ 26 ડિસેમ્બરે કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્ય પ્રતિનિધિઓ પાસેથી સૂચનો લેશે. જ્યારે 27 ડિસેમ્બરે તે ઉત્તર પ્રદેશ, ઓડિશા અને દિલ્હીના પ્રતિનિધિઓ સાથે વાત કરશે.
સંસદીય સમિતિએ તાજેતરમાં લખનૌ અને રાજસ્થાનના મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે પ્રોફેસર માહરુખ મિર્ઝા, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ભાષા યુનિવર્સિટી, લખનૌના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને રાજસ્થાન વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ સૈયદ અબુ બકર નકવી તેમના પ્રસ્તાવિત સુધારાઓ સાથે આવ્યા હતા. આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા બુધવારે વકફ પર બનેલી સંસદીય સમિતિએ ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના સભ્યો સાથે બેઠક કરી હતી. સમિતિએ બિલ પર બોર્ડના મંતવ્યો સાંભળ્યા હતા.
વકફ સુધારા વિધેયક માટે રચાયેલી સમિતિનો કાર્યકાળ બજેટ સત્ર 2025ના અંતિમ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. લોકસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ કમિટીએ આ સપ્તાહના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો હતો. આ મામલે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલનું કહેવું છે કે સમિતિના તમામ સભ્યો એ વાત પર સહમત છે કે જેપીસીનો કાર્યકાળ વધારવો જોઈએ.