"જૈશ"ના ફિદાયીન મોડીયૂલનો પર્દાફાશ : આતંકી ડોકટર્સ તુર્કીમાં આતંકવાદીને મળવા ગયા હતા
નવી દિલ્હી: ફરિદાબાદ–સહારનપુર આતંકી મોડીયૂલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓએ જણાવી છે કે જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન મોડીયૂલના આરોપી ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમર “Session” નામના એન્ક્રિપ્ટેડ મેસેન્જર એપ દ્વારા તેમના હેન્ડલરો સાથે વાતચીત કરતા હતા. આ એપની ખાસિયત એ છે કે એકાઉન્ટ બનાવવા માટે મોબાઇલ નંબરની જરૂર પડતી નથી અને તેમાં ચેટનું મેટાડેટા પણ સંગ્રહિત થતું નથી, એટલે તપાસ એજન્સીઓ માટે તેને ટ્રેક કરવો લગભગ અશક્ય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, **ડૉ. મુજમ્મિલે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે શરૂઆતમાં તેનો સંપર્ક ‘અબુ ઉકાસા’ નામના હેન્ડલર સાથે હતો, જે તુર્કીનો વર્ચ્યુઅલ નંબર વાપરતો હતો. શરૂઆતમાં વાતચીત વોટ્સએપ પર 90 કોડ ધરાવતા નંબર દ્વારા થતી હતી, પરંતુ બાદમાં હેન્ડલરે બંનેને કહ્યું કે “Session” એપ પર સ્વિચ કરો જેથી વાતચીત ક્યારેય લિક ન થાય અને એજન્સીઓને ખબર ન પડે.
ડૉ. મુજમ્મિલે કબૂલ્યું છે કે સુરક્ષા એજન્સીઓને શંકા ન જાય તે માટે વર્ષ 2022માં હેન્ડલર સાથે મળવા માટે તુર્કીની જગ્યા પસંદ કરી હતી. તે વખતે ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલ બંને તુર્કી ગયા હતા, જ્યાં તેઓ જૈશના હેન્ડલર ‘અબુ ઉકાસા’ને રૂબરૂ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ આખો પ્લાન એટલા માટે બનાવાયો કે જો તેઓ પકડાય તો પાકિસ્તાન અથવા જૈશ-એ-મોહમ્મદનુ સીધુ કનેક્શન બહાર ન આવે. તુર્કીનો વર્ચ્યુઅલ નંબર વાપરવાથી તેમની ઓળખ છુપાયેલી રહે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ “હાઇબ્રિડ આતંકી મોડીયૂલ” બે ટેલિગ્રામ ગ્રૂપ ‘ઉમર બિન ખિતાબ’ અને ‘ફરઝાન દરુલ ઉલૂમ’ સાથે જોડાયેલુ હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગ્રૂપો જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે, કેમ કે તેમાં મૌલાના મસૂદ અઝહરના જુના ભાષણો, ચિઠ્ઠીઓ અને જિહાદ માટે ઉશ્કેરતી પોસ્ટ્સ નિયમિત રીતે શેર થતી હતી.