ઉત્તરપ્રદેશમાં ટાયર ફાટતા જીપકારને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થિનીના મોત
લખનૌઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થિનીઓના મોત થયા હતા, જ્યારે 11 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ બોલેરોમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા.
અહેવાલો અનુસાર, બ્રિજમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરેન્ડા-ધાની રોડ પર સિકંદરા જીતપુર ગામ પાસે મંગળવારે અચાનક એક બોલેરોનું ટાયર ફાટ્યું હતું. જેથી વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. તેમજ વાહન પલ્ટી ખાઈ ગયું હતું. દૂર્ઘટનાને પગલે જીપકારમાં સવાર વિદ્યાર્થીઓની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં ચાંદની પટેલ (ઉ.વ. 17) અને પ્રિયંકા (ઉ.વ. 16) અને બરગડવા વિષ્ણુપુરની રહેવાસી પ્રીતિ (ઉ.વ. 17) ના મોત થયા હતા. જ્યારે ડ્રાઇવર રિયાઝ (ઉ.વ. 28) અને વિદ્યાર્થીઓ નંદિની (ઉ.વ 16), રિમઝીમ (ઉ.વ 17), ચાંદની (ઉ.વ 16), મનીષા (ઉ.વ 16), સોની (ઉ.વ 17), પ્રિયંકા (ઉ.વ 17) ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવને પગલે સ્થાનિકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. દૂર્ઘટનામાં ઘવાયેલા લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. તેમજ ત્રણેય વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.