વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રેલવે ગર્ડર સાથે જેસીબી અથડાયું
- ગર્ડર નીચેથી જેસીબી લઈ જતા જેસીબીની પાંખ અથડાઈ
- ફાટક નજીક બનેલી બનાવથી ટ્રાફિકજામ સર્જાયો
- ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સ્થાનિક લોકોની માગણી
સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ગણપતિ રેલવે ફાટક પર અવાર-નવાર ટ્રાફિકજામની સિથિ સર્જાય છે. ફાટક પરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે રેલવે દ્વારા લોખંડના ગર્ડરો નાંખવામાં આવ્યા છે. પરંતુ આ ગડર સાથે વારંવાર વાહનો અથડાવાની સાથે ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે. દરમિયાન રેલવે ફાટક ક્રોસ કરતું એક જેસીબી ગર્ડર સાથે અથડાતા કલોકો સુધી ટ્રાફિક જામ થયો હતો. રેલવે ફાટક પર ઓવર બ્રિજ બનાવવાની લોકો માગણી કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિક સમસ્યાના કારણે રાહદારીઓ, વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં જ્યાં પણ રેલવે ફાટક આવી છે ત્યાં પણ આ સમસ્યાઓ સર્જાઇ છે. તેમાંય ખાસ કરીને વઢવાણ ગણપતિ ફાટકે તો વારંવાર ટ્રાફિકજામ બનાવો બનતા લોકોમાં રોષ ફેલાયો હતો. વઢવાણ ગણપતિ ફાટક પાસે ગર્ડર સાથે ભારે વાહનો અથડાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે રાતના સમયે ફાટક પાસે નાંખેલી ગર્ડરની સાથે વાહનમાં લઇ જવાતું જેસીસી અથડાતાં લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ અંગે સ્થાનિક લોકોના કહેવા મુજબ અગાઉ અનેકવાર રજુઆત કરવા છતાંયે કલેક્ટર, અધિકારીઓ, મંત્રીઓ દ્વારા આ અંગે ધ્યાન આપવામાં આવતું નથી. લોકો દ્વારા એવી માગણી કરવામાં આવે છે કે અવારનવાર અહીંયા ટ્રાફિક જામ થતો હોય એના અનુસંધાને તાત્કાલિક ઓવર બ્રિજ, અન્ડરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવે. આ પ્રશ્નનો નિકાલ નહીં થાય તો ગણપતિ ફાટસરના તમામ રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.