જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખની હપતાખોરી, જવાહર ચાવડાએ PMને કરી ફરિયાદ
- ભાજપના નેતાએ જ પક્ષના નેતાનો ભ્રષ્ટાચાર ખૂલ્લો પાડ્યો,
- જિલ્લા પ્રમુખ 9 વર્ષથી પદ ભાગવી રહ્યા છે, પક્ષના નિયમોનો થતો ભંગ,
- અમારે પ્રજા પાસે ક્યા મોઢે જવું?
ભાજપના નેતાએ જ:જવાહર ચાવડાનો PMને પત્ર, વોંકળામાં દબાણો કર્યા, હપ્તાખોરીની ચરમસીમા, પ્રજા વચ્ચે ક્યા મોઢે જવું?
જિલ્લા ભાજપ પ્રમુખે વસૂલી-હપ્તાખોરીની ચરમસીમા વટાવી, પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હવે PMને લખ્યો પત્ર
જૂનાગઢઃ ભાજપમાં તમામ સ્તરે આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે, પણ શિસ્તબદ્ધ પાર્ટીને કારણે નેતાઓ જાહેરમાં બોલવાનું ટાળતા હોય છે. ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડાએ જિલ્લા ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. અને હપતાખોરીનો આક્ષેપ કર્યો છે. આ અંગે જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડા હવે વિદ્રોહના સૂર રેલાવી રહ્યા છે. જેમાં અગાઉ લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ આમાં અપવાદ છે.
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા વોંકળા પર કરવામાં આવેલા દબાણોને કારણે જૂનાગઢ શહેરમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. માત્ર એટલું જ નહીં તેમણે કિરીટ પટેલ એક સાથે ત્રણ ત્રણ હોદ્દા ભોગવવાનો અને હપ્તાખોરીના પણ આક્ષેપ કર્યા છે. ચાવડાએ પોતાની વ્યથા ઠાલવતા પત્રના અંતે લખ્યું છે કે, અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યા મોઢે જવુ? પ્રજાનો સામનો કેમ કરવો?
જવાહર ચાવડાએ લખ્યું કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં વખતો વખત ફરીયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી.