જામનગરની ખાનગી શાળાને FRCના હુકમનું ઉલ્લંઘન કરી વધુ ફી લેતા રૂ. 2.50 લાખનો દંડ કરાયો
• રાજ્યમાં 3175 શાળાઓએ ફી વધારાની માગ કરી હતી
• 22,935 એટલે કે 88 ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે
• FRCએ નક્કી કરેલી કરતા વધુ ફી લેવામાં આવે તો દંડની જોગવાઈ છે
ગાંધીનગરઃ ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની જામનગર જિલ્લામાં કુલ 01 ફરિયાદ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એકપણ ફરિયાદ મળેલ નથી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાની શાળાને ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ-2017ની કલમ-14(1) મુજબ રૂ. 2.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ 26,110 સ્વનિર્ભર શાળાઓ પૈકી 12 ટકા એટલે કે 3,175 શાળાઓએ ફી નિયમન સમિતિઓમાં ફી વધારા માટે અરજી કરી હતી, જ્યારે બાકીની 22,935 એટલે કે 88 ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે.
વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સ્વનિર્ભર શાળા અધિનિયમ-2017માં કાયદાના ભંગ અંગે કલમ-14માં કરેલી જોગવાઈ મુજબ સ્વનિર્ભર શાળાને પ્રથમવાર કાયદાના ભંગ માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ, બીજીવાર પાંચ થી દસ લાખ રૂપિયા અને ત્રીજીવાર કાયદાના ભંગ માટે શાળાને અપાયેલ માન્યતા રદ કરવા-એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવે છે.
આ દંડની રકમ વસુલ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ પણ શાળાએ પરત કરવાની રહે છે. આ ઉપરાંત રકમની ચુકવણી તે અંગેનો હુકમ મળ્યાની તારીખથી પંદર દિવસમાં કરવાની રહે છે. ત્યારબાદ વસુલાત કરવાની કુલ રકમના એક ટકા પ્રતિદિન લેખે ભરપાઈ કર્યાની તારીખ સુધી દંડ વસુલ કરવામાં આવશે. જો આ રકમ ત્રણ મહિનાની મુદત સુધીમાં ભરપાઈ કરવામાં નહી આવે તો તે રકમ જમીન મહેસુલની બાકી લેણાની બાકી રકમ તરીકે ગણીને વસુલ કરવામાં આવશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.