જામનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 12 ગેરકાયદે દુકાનો પર બુડોઝર ફર્યું
- મ્યુનિની મંજુરી વિના જ 12 દુકાનો બનાવી દેવામાં આવી હતી
- અગાઉ પણ આ વિસ્તારમાં 15 દુકાનો તોડવામાં આવી હતી
- દુકાનોને નિયમિત કરવા સુપ્રીમ કાર્ટ સુધી લડત ચાલી હતી
જામનગરઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ લાલ આંખ કરી છે. જેમાં શહેરના જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલી 12 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દઈ ડીમોલેશન કરવામાં આવ્યું હતું. દબાણ હટાવની કામગીરી દરમિયાન પોલીસનો સઘન બન્દોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાંધકામ કરનારા આસામી દ્વારા છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતાં આખરે મ્યુનિ.કોર્પોરેશને દૂકાનો તોડીને 5,550 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવી હતી.
જામનગર મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગેલેક્સી સિનેમા નજીક મનસુખભાઈ નિમાવત કે જેની એક ટ્રસ્ટ હસ્તકની આશરે 5,550 ચોરસ ફૂટ જેટલી જગ્યા આવેલી છે. જે જગ્યા ઉપર નગરના એક બિલ્ડર દ્વારા પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની મંજૂરી ન હોવા છતાં 2020 ની સાલમાં આ સ્થળે 15 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી, અને તે અંગેની ફરિયાદ થયા બાદ મ્યુનિ.કોર્પોરેશને મંજૂરી વગરની પંદર દુકાનોનું 2020 ની સાલમાં બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યારબાદ દ્વારા આ જ સ્થળે ફરીથી બાંધકામ શરૂ કરાયું હતું, અને નવી 12 દુકાનો ખડકી દેવામાં આવી હતી. જે મામલે પણ કાનૂની લડત ચાલી હતી, અને જામનગરની અદાલત, ઉપરાંત હાઇકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી હતી. અને બિલ્ડરની આખરે તેમાં હાર થઈ હતી.ત્યારબાદ મ્યુનિ. દ્વારા ઉપરોક્ત જગ્યા ખુલ્લી કરવા માટેનો આદેશ કરીને નોટિસ આપી હતી. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બાંધકામ દૂર કર્યું ન હોવાથી મ્યુનિ. દ્વારા ભારે પોલીસ બંદોબસ્તની સાથે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન મ્યુનિના ડીએમસી ઝાલા હાજર રહ્યા હતા, ઉપરાંત કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા ટીપીઓ શાખાના ઊર્મિલ દેસાઈ સહિતની મોટી ટીમ સ્થળ પર હાજર રહી હતી. એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, ટ્રેકટર વગેરે મશીનરીની મદદથી 25 જેટલા કર્મચારીઓને સાથે રાખીને બાંધકામ દૂર કરવાનું શરૂ કરાયું હતું, અને ગેરકાયદે ઉભી કરેલી 12 દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતુ. આ વેળાએ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.