જામનગરઃ ખીજડીયા પક્ષી અભયારણ્ય બન્યું પ્રવાસીઓનું આકર્ષણ, વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન
જામનગરઃ શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય ફરી એકવાર પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અભયારણ્યમાં વિશ્વભરમાંથી 300થી વધુ પ્રજાતિના યાયાવર (સ્થળાંતર કરનારા) પક્ષીઓનું આગમન થયું છે.
સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર-સુદૂરના દેશોમાંથી આ યાયાવર પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને ખીજડીયા પહોંચે છે. મીઠા અને ખારા પાણીના જળાશયોનું અનોખું મિશ્રણ ધરાવતી આ ઇકોસિસ્ટમ પક્ષીઓ માટે તેમનું કુદરતી પ્રજનન સ્થળ અને આરામ કરવાની જગ્યા પૂરી પાડે છે.
શિયાળાની શરૂઆત થતાં જ પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યાં છે. પ્રવાસીઓ અહીં પક્ષીઓની વિવિધ ક્રીડાઓ અને કુદરતી વાતાવરણમાં સુંદર સૂર્યોદયના દૃશ્યોનો આનંદ માણી રહ્યાં છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના પર્યાવરણીય વૈભવ અને પક્ષીસૃષ્ટિના સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.