જામનગરઃ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં શિયાળાના આરંભ સાથે વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન
ગુજરાતના જામનગર નજીક આવેલું વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય શિયાળાની શરૂઆત થતાં જ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને હજારો પક્ષીઓના કલરવથી આ જગ્યા સોળે કળાએ ખીલી ઊઠે છે.
જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર અને લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યની વિશેષતા તેના મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ છે.ખીજડીયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયાના જણાવ્યા અનુસાર, પાણીના આ અનોખા મિશ્રણને કારણે આ ઇકોસિસ્ટમ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બની રહે છે.
"જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા બર્ડ સેન્ચુરી શિયાળામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓ અફઘાનિસ્તાન, યુરોપ, આફ્રિકા, ઈરાન-ઈરાક અને સાઇબેરિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં આશ્રય લે છે."
દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ અહીં પક્ષીઓની ક્રીડાઓ અને સુંદર સૂર્યોદય માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડે છે. સાઇબેરિયા, આફ્રિકા, યુરોપ, અફઘાનિસ્તાન, ઈરાન-ઈરાક જેવા દૂર-સુદુર દેશોમાંથી પક્ષીઓ હજારો કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને અહીં આશ્રય લે છે.અમદાવાદથી આવેલા પ્રવાસીઓએ અહીંના સૂર્યોદય અને પક્ષીઓની અઠખેલીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો, જેને તેઓ યાદગાર અનુભવ ગણાવે છે.