જમ્મુ-કાશ્મીરઃ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ ઉપર ફુલ સ્પીડમાં દોડી વંદે ભારત, ટ્રાયલ રન યોજાઈ
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં ખાસ ડિઝાઇન કરાયેલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (SVDK) રેલ્વે સ્ટેશનથી શ્રીનગર રેલ્વે સ્ટેશન જતી ટ્રેન વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ, ચેનાબ પુલ પરથી પસાર થઈ હતી.
વંદે ભારત એક્સપ્રેસ પણ અંજી ખાડ બ્રિજ પરથી પસાર થઈ હતી. આ પુલ ભારતનો પહેલો કેબલ-સ્ટેડ રેલ્વે પુલ છે. સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે ટ્રેન જમ્મુમાં થોડીવાર માટે ઉભી રહી હતી. આ પછી તેને ટ્રાયલ રન પૂર્ણ કરવા માટે આગામી બડગામ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી. અહેવાલ મુજબ, ટૂંક સમયમાં લોકો માટે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનની પહેલી યાત્રાને લીલી ઝંડી આપી શકે છે.
રિપોર્ટ અનુસાર, સવારથી મોટી સંખ્યામાં લોકો અને રેલ્વે અધિકારીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, જેમાંથી ઘણા લોકો માળા લઈને ટ્રેનમાં ચઢતા અધિકારીઓનું સ્વાગત કરી રહ્યા હતા. રેલવેએ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટના 272 કિલોમીટરના પટ્ટા પર કામ પૂર્ણ કરી લીધું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલ્વે બોર્ડે ગયા વર્ષે 8 જૂને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું અનાવરણ કર્યું હતું.
વંદે ભારત ટ્રેન જમ્મુ અને કાશ્મીરની કડકડતી શિયાળામાં પણ કોઈપણ સમસ્યા વિના ચલાવવાની સુવિધાઓ ધરાવે છે. દેશના અન્ય રાજ્યોમાં દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોથી વિપરીત, આ ટ્રેનમાં મુસાફરો માટે વધારાની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.