જમ્મુ-કાશ્મીરઃ સરકારી કચેરીઓમાં USB અને પેનડ્રાઈવના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સંવેદનશીલ સરકારી માહિતી, હેકિંગ, ડેટા ચોરીની સુરક્ષાના જોખમોનો સામનો કરવા માટે, સરકારી વિભાગોમાં USB અને પેનડ્રાઇવના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે તેના આદેશમાં કહ્યું છે કે, વાયરસ હુમલા, હેકિંગ જેવા ખતરાઓનો સામનો કરવા માટે, જમ્મુ-શ્રીનગરના નાગરિક સચિવાલયો તેમજ તમામ જિલ્લાઓના ડેપ્યુટી કમિશનર કાર્યાલયો, સરકારી વિભાગોએ ગુપ્ત માહિતી શેર કરવા માટે WhatsApp જેવા જાહેર મેસેજિંગ પ્લેટફોર્મ અથવા I Love PDF જેવી અસુરક્ષિત ઓનલાઇન સેવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
જમ્મુ અને કાશ્મીર સરકારનું કહેવું છે કે, આ નિર્ણય સાયબર સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. ડેટાને સુરક્ષિત રાખવા અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘનને રોકવા માટે, WhatsApp જેવા મેસેજિંગ પ્લેટફોર્મ અથવા I Love PDF જેવી અસુરક્ષિત ઓનલાઇન સેવાઓનો ઉપયોગ સત્તાવાર અથવા ગુપ્ત દસ્તાવેજો શેર કરવા અથવા એકત્રિત કરવા માટે પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
સામાન્ય વહીવટ વિભાગના કમિશનર સચિવ એમ. રાજુ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણયો કેન્દ્રશાસિત પ્રદેશની સાયબર સુરક્ષા સ્થિતિને મજબૂત કરવા, સંવેદનશીલ સરકારી ડેટાને સુરક્ષિત કરવા અને ડેટા નિયમોના ઉલ્લંઘન, વાયરસ હુમલા અને અનધિકૃત ઍક્સેસ જેવા જોખમોનો સામનો કરવા માટે લેવામાં આવ્યા છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં જરૂર પડે, તો વિભાગ બે-ત્રણ પેન ડ્રાઇવનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવી શકે છે. આ માટે, વિભાગના વડા દ્વારા એક વિનંતી મોકલવાની રહેશે, જે રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના રાજ્ય માહિતી અધિકારીને જશે. આ પછી જ, તે પેન ડ્રાઇવને ખાસ પરવાનગી મળશે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પરવાનગી પછી, પેન ડ્રાઇવને ઉપયોગ પહેલાં સુરક્ષા માટે સેટ કરવા, તેના માલિકની નોંધણી અને અન્ય પ્રક્રિયાઓ માટે NIC સેલમાં રજૂ કરવાની રહેશે. સલામત વિકલ્પ તરીકે, વિભાગોને ગોવ ડ્રાઇવ અપનાવવાની સલાહ આપવામાં આવે છે, જે ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ છે. આમાં, દરેક સરકારી અધિકારીને 50 GB સુરક્ષિત સ્ટોરેજની સુવિધા મળે છે.