જમ્મુ-કાશ્મીરઃ ત્રાલમાં રજા ઉપર ઘરે આવેલા ભારતીય જવાન ઉપર આતંકવાદીઓએ કર્યો હુમલો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થઈ રહ્યાનું લાગી રહ્યું છે. બીજી તરફ સુરક્ષા દળોએ આતંકવાદને નાથવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના ત્રાસમાં રજા ઉપર આવેલા આર્મીના જવાનને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો. આતંકવાદીઓએ આર્મીના જવાન ઉપર ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં આતંકીઓએ સેનાના એક જવાનને ગોળી મારી હોવાનું જાણવા મળે છે. આ ઘટના અવંતીપોરાના ત્રાલમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સેનાનો જવાન રજા પર ઘરે આવ્યો હતો. ત્યારબાદ આતંકીઓએ તેને નિશાન બનાવ્યો હતો. સૈનિકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાયલ સૈનિકની ઓળખ મુસ્તાખ અહેમદ સોફી તરીકે થઈ છે. તેઓ 29 રાષ્ટ્રીય રાઈફલ્સમાં પોસ્ટેડ છે. મુસ્તાખની પોસ્ટિંગ બારામુલ્લામાં છે. તે હમણાં જ ત્રાલમાં પોતાના ઘરે આવ્યો હતો. આ હુમલાને ગંભીરતાથી લઈને પોલીસ અને સુરક્ષા દળો એક્ટિવ બન્યાં છે. તેમજ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
3 ડિસેમ્બરના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં લશ્કર કમાન્ડર માર્યો ગયો હતો. 20 ઓક્ટોબરના રોજ ગગનગીરમાં ટનલ કંપનીના કેમ્પ સાઈટ પર થયેલા હુમલામાં સામેલ મોસ્ટ વોન્ટેડ આતંકીને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. લશ્કર કમાન્ડર, જુનૈદ રમઝાન ભટ તરીકે ઓળખાય થઈ હોવાનું જાણવા મળે છે, તે શ્રીનગરની બહાર હરવાનના ઉપરના વિસ્તારોમાં માર્યો ગયો હતો.
(Photo-File)