જમ્મુ-કાશ્મીરઃ 1990માં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટ હત્યા કેસમાં અનેક સ્થળો ઉપર દરોડા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં રાજ્ય તપાસ એજન્સીએ મંગળવારે 1990માં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટની હત્યાના સંદર્ભમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ હત્યા 35 વર્ષ પહેલા થઈ હતી. તપાસ ટીમે યાસીન મલિકના ઘરે પણ દરોડા પાડ્યાને તપાસ કરી હતી. SIA ટીમ મધ્ય કાશ્મીરમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય તપાસ એજન્સી 35 વર્ષ પહેલા કાશ્મીરી પંડિત મહિલાની હત્યાની તપાસ કરવા કરી રહી છે. દરમિયાન આજે મધ્ય કાશ્મીરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરલા ભટ્ટની હત્યાના સંદર્ભમાં પ્રતિબંધિત જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ સાથે સંકળાયેલા ઘણા લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરલા ભટ્ટનો મૃતદેહ શ્રીનગર શહેરમાં મળી આવ્યો હતો, જે એપ્રિલ 1990માં સૌરામાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની તેની હોસ્ટેલમાંથી ગુમ થઈ ગઈ હતી. JKLFના ભૂતપૂર્વ નેતા પીર નૂરુલ હક શાહ ઉર્ફે એર માર્શલ તે લોકોમાં હતા જેમના ઘરની એજન્સી અધિકારીઓ દ્વારા તલાશી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એજન્સીએ તાજેતરમાં જ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી.