જમ્મુ-કાશ્મીરઃ પહેલગામ હુમલા મામલે પોલીસે ડોડામાં અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યાં
નવી દિલ્હીઃ પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ આજે સોમવારે સવારથી જ જમ્મુ-કાશ્મીર પોલીસે ડોડા જિલ્લામાં 13 સ્થળો ઉપર એક સાથે દરોડા પાડ્યાં હતા. આ કામગીરીનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના ઠેકાણાઓનો પર્દાફાશ કરવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને ન્યાયના કઠેડામાં લાવવાનો છે.
22 એપ્રિલના રોજ, પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ખીણમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
દરમિયાન, શ્રીનગર પોલીસે આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે, શહેરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઓવરગ્રાઉન્ડ કાર્યકરો અને તેમના સહયોગીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે કુલ 63 લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, સાક્ષીઓ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય શસ્ત્રો, દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને અન્ય સામગ્રી મેળવવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓના કાવતરાનો પર્દાફાશ કરવાનો છે.
કટરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ રાકેશ વઝીરે જણાવ્યું હતું કે પહેલગામ હુમલાથી જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પણ અસર થઈ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 35 થી 37% હોટેલ બુકિંગ રદ કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા પણ 45,000 થી ઘટીને 20,000 થઈ ગઈ છે.