જમ્મુ-કાશ્મીર સરકારે 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે મોટી કાર્યવાહી કરતા 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એવા આરોપોને ધ્યાનમાં રાખીને આ એક્શન લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પ્રતિબંધિત કરાયેલા ઘણા એકાઉન્ટ્સ પાકિસ્તાનથી સંચાલિત થઈ રહ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી તત્વો હજુ પણ સોશિયલ મીડિયા મારફતે કાશ્મીરની શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહ્યા છે.
માહિતી મુજબ, આ એકાઉન્ટ્સ આમ આદમી પાર્ટીના (AAP) વિધાનસભ્ય મહેરાજ મલિકની ધરપકડને લઈને સ્થાનિક યુવાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેથી વિસ્તારમાં અશાંતિ ફેલાય અને પરિસ્થિતિ બગડે. જો કે, ઉમર સરકારએ સમયસર પગલા ભરતા આ તમામ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠનો સોશિયલ મીડિયા દ્વારા ફરી એકવાર ખોટી સામગ્રી ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ખતરા સામે સખત વલણ અપનાવીને ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં 100થી વધુ ભડકાઉ એકાઉન્ટ્સ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તથા વિધાનસભ્ય મહેરાજ મલિકને ડોડામાં જન સુરક્ષા અધિનિયમ (PSA) હેઠળ 8 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર ડોડાના ઉપાયુક્ત સાથે દુર્વ્યવહાર કરવાનો, હિઝ્બુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાની સાથે સંબંધ રાખવાનો તથા યુવાઓને ઉશ્કેરવાનો આરોપ છે. તેમની ધરપકડ પછી વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શન પણ થયા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્લોક કરાયેલા મોટાભાગના એકાઉન્ટ્સ ફેસબુક પર હતા, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ અને એક્સ (પૂર્વે ટ્વિટર) પર હતા. સરકારે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીરમાં હિંસા અટકાવવા અને શાંતિ જળવાઈ રહે તે માટે આ પગલા ફરજિયાત હતા. સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકાર હવે વધુ સાવચેતીના પગલા લઈ રહી છે.