જલગાંવ ટ્રેન દૂર્ઘટના ચા વાળાએ આગની અફવા ફેલાવતા સર્જાઈઃ અજીત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે જલગાંવ ટ્રેન અકસ્માત એ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવવાનું પરિણામ હતું, જે ટ્રેનની અંદર ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી. આ અફવાને કારણે લોકો ગભરાઈ ગયા અને કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા.
મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાં ઈમરજન્સી ચેઈન ખેંચાયા બાદ, કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે.
"પેન્ટ્રીમાંથી એક ચાવાળાએ બૂમ પાડી કે કોચમાં આગ લાગી છે," ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીના બે મુસાફરોએ અવાજ સાંભળ્યો અને ખોટી માહિતી અન્ય લોકોને આપી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. પવારે જણાવ્યું હતું કે કેટલાક ગભરાયેલા મુસાફરોએ પોતાને બચાવવા માટે ટ્રેનના બંને બાજુના દરવાજા પરથી કૂદી પડ્યા હતા. ટ્રેન ખૂબ જ ઝડપે ચાલી રહી હતી ત્યારે એક મુસાફરે ઇમરજન્સી ચેઇન ખેંચી હતી. તેમણે કહ્યું, "ટ્રેન રોકાયા પછી, લોકો નીચે ઉતરવા લાગ્યા અને નજીકના ટ્રેક પરથી પસાર થતી કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાઈ ગયા."
પવારે જણાવ્યું હતું કે ટક્કર એટલી ગંભીર હતી કે ઘણા મુસાફરોએ જીવ ગુમાવ્યા અને તેમના શરીર વિકૃત થઈ ગયા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, "આ અકસ્માત આગની અફવાનું પરિણામ હતું." તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા 13 લોકોમાંથી 10 લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં બે મુસાફરો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના પ્રભારી મંત્રી અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને થોડા સમય પછી બંને દિશામાં ટ્રેન અવરજવર ફરી શરૂ થઈ હતી.