જેસલમેરઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો DRDOના ગેસ્ટહાઉસનો મેનેજર ઝડપાયો
જયપુરઃ રાજસ્થાનના જેસલમેરથી પોલીસે એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે જાસુસીના કેસમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે. રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે મહેન્દ્ર સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સને માહિતી મોકલતો હતો.
અહેવાલ મુજબ, મહેન્દ્ર પ્રસાદ જેસલમેરમાં ચંદન ફિલ્ડ રેન્જ નજીક સ્થિત DRDO ગેસ્ટ હાઉસમાં કોન્ટ્રાક્ટ પર મેનેજરના પદ પર હતો. રાજસ્થાનની CID ઇન્ટેલિજન્સે મહેન્દ્રની ધરપકડ કરી છે. તે સેના અને દેશ સાથે સંબંધિત અન્ય ગુપ્ત માહિતી પાકિસ્તાનની ISI ને મોકલતો હતો. ઓપરેશન સિંદૂર પછી, દેશમાંથી ઘણા જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલર સાથે જોડાયેલા હતા. આરોપીને જેસલમેરથી જયપુર લઈ જવામાં આવ્યો છે. અહીં તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવશે. તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમાંથી ડેટા પણ કાઢવામાં આવશે.
મહેન્દ્ર પ્રસાદ કથિત રીતે DRDOના વૈજ્ઞાનિકો અને મિસાઇલ અને શસ્ત્રોના પરીક્ષણ માટે ફાયરિંગ રેન્જમાં આવતા ભારતીય સૈન્ય અધિકારીઓની પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી મોકલતો હતો. ધરપકડ કરાયેલ મહેન્દ્ર પ્રસાદ ઉત્તરાખંડનો રહેવાસી છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની કવાયત તેજ કરી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.