For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જસદણ-આટકોટ રોડ પર કાર-ટ્રેકટરના અકસ્માત બાદ ટ્રેકટરે પલટી ખાતાં જૈન સાધ્વીજીનું મોત

05:21 PM Dec 09, 2025 IST | Vinayak Barot
જસદણ આટકોટ રોડ પર કાર ટ્રેકટરના અકસ્માત બાદ ટ્રેકટરે પલટી ખાતાં જૈન સાધ્વીજીનું મોત
Advertisement
  • વિહાર કરીને જઈ રહેલા જૈન સાધ્વીજીઓ પર ટ્રેકટરમાં ભરેલી મગફળીની બોરીઓ પડી
  • કારમાં સવાર પ્રવાસીઓને દરવાજા કટરથી કાપીને બહાર કઢાયા
  • અકસ્માતમાં ઈજાગ્રસ્ત 6 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રાજકોટઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત જસદણ-આટકોટ રોડ પર સર્જાયો હતો. વહેલી સવારે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રેકટર ટ્રોલી પલટી જતા મગફળી ભરેલી બોરીઓ વિહાર કરીને જઈ રહેલા જૈન સાધ્વીજીઓ પર પડી હતી. જેમાં એક સાધ્વીજીનું મોત નિપજ્યુ હતું. જ્યારે બે સાધ્વીજી સહિત 6 લોકોને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં બે સાધ્વીજીઓને પ્રથમ આટકોટમાં સારવાર અપાયા બાદ રાજકોટની વોકહાર્ટમાં રીફર કરાયા હતા.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે,  જૈન સાધ્વીઓનો સમુદાય વહેલી સવારે જસદણથી જૂનાગઢ તરફ પગપાળા વિહારમાં નીકળ્યો હતો. આ દરમિયાન, કાર ચાલકે પાછળથી મગફળી ભરેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટરમાં ભરેલી મગફળીની બોરીઓ આગળ પગપાળા ચાલી રહેલા જૈન સાધ્વી શ્રુતનિધિજી ઉપર પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે સાધ્વીજીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારને ભારે નુકસાન થયું હતું અને કારમાં સવાર 4 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કારને કટરથી કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં કાર અને ટ્રેક્ટરના મળીને કુલ 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અને DYSP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ અને આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રેક્ટર ચાલક તેમજ કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. આ અકસ્માતમાં એક જૈન સાધ્વીજીનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement