રાધાકૃષ્ણનના શપથવિધી સમારોહમાં જોવા મળ્યા જગદીપ ધનખડ
નવી દિલ્હી : ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણને શુક્રવારે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિધિવત્ સમારંભમાં 67 વર્ષીય રાધાકૃષ્ણને શપથ અપાવી હતી. લાલ કુર્તામાં આવેલા રાધાકૃષ્ણને ઈશ્વરના નામે અંગ્રેજીમાં શપથ ગ્રહણ કર્યાં હતા. રાધાકૃષ્ણને મંગળવારે સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર બી. સુદર્ષન રેડ્ડીને 152 મતોના અંતરથી હરાવી ચૂંટણી જીતી હતી. શપથ સમારંભ દરમિયાન ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા. 21 જુલાઈએ અચાનક રાજીનામું આપ્યા બાદ આ તેમનું પ્રથમ જાહેર પ્રગટ થવું હતું. તેઓ સમારંભમાં પ્રથમ પંક્તિમાં મહેમાનોની વચ્ચે બેઠેલા જોવા મળ્યા હતા અને હસતાં-મુકુરતાં તાળી પાડી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ સ્વાસ્થ્યના કારણોસર 21 જુલાઈએ પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ મધ્યાવધિ ચૂંટણી યોજાઈ હતી. સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ તેમજ ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજર રહ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને વેંકૈયા નાયડૂ પણ ઉપસ્થિત રહ્યા હતા.