જગદગુરૂ શંકરાચાર્ય ગોંડલના રાજવી પરિવારના બન્યા મહેમાન
- ગોંડલના ઓર્ચાડ પેલેસ ખાતે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત કરાયું,
- દરબારગઢના નવલખા પેલેસ ખાતે ધર્મસભા યોજાઈ,
- શંકરાચાર્યજીનો રાજ મહેલમાં ત્રણ દિવસનો મુકામ
રાજકોટઃ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ગોંડલના રાજવી પરિવારના મહેમાન બન્યા છે. શંકરાચાર્યજીનું ઓર્ચાડ પેલેસમાં આગમન થતાં રાજ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આજે દરબારગઢના નવલખા મહેલ ખાતે ધર્મસભા યોજવામાં આવી હતી. જેમાં સ્વામીજીના ઉપદેશનો લાભ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
ગોંડલના રાજવી પરિવારના આંગણે જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું આગમન થતાં રાજવી પરિવાર, ક્ષત્રિય સમાજ તથા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. શંકરાચાર્યજી રાજવી પરિવારનાં ત્રણ દિવસના મહેમાન બન્યા છે. આજે શંકરાચાર્યજીની સ્વાગત યાત્રા, ધર્મસભાનું આયોજન નવલખા પેલેસ (દરબારગઢ) ખાતે કરાયું હતું.
જામનગરથી ગઈકાલ સાંજે જગદગુરૂ શંકરાચાર્યજીનું આગમન ગોંડલના રાજવી પરિવારનાં ઓર્ચાડ પેલેસ ખાતે થતાં રાજવી હિમાંશુસિહજી, રાજમાતા કુમુદકુમારીજી, ઢાંક તથા લાખણકા સ્ટેટ પરિવાર, હવામહેલનાં કુમાર જ્યોતિર્મયસિંહજી, અન્ય રાજવી પરિવાર, રાજ્યનાં ભાયાતો ઉપરાંત ક્ષત્રિય સમાજ તથા બ્રહ્મ સમાજ દ્વારા પુજન તથા સ્વાગત કરાયું હતું. તેમજ આજે બુધવારે ગોંડલના વેરીદરવાજા માંડવીચોકથી શંકરાચાર્યજીની સ્વાગત યાત્રા પ્રસ્થાન થઈ નવલખા પેલેસ (દરબારગઢ) ખાતે પહોંચી હતી. ત્યાર બાદ ધર્મસભાનું આયોજન યોજાઈ હતી. અને મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ. ગોંડલ ખાતે સૌપ્રથમ વખત દ્વારકા શારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધાર્યા હોવાથી શહેરભરમાં ધાર્મિક માહોલ છવાયો છે.