સલમાન ખાનને ધમકી આપનાર વડોદરાનો યુવાન હોવાનું ખૂલ્યું
વડોદરાઃ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિ ગુજરાતના વડોદરા જિલ્લાના એક ગામમાંથી મળી આવ્યો હોવાનું જાણવા મળે છે એટલું જ નહીં તે વ્યક્તિ માનસિક રીતે બીમાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે અભિનેતાને ધમકી આપનાર 26 વર્ષીય યુવક વાઘોડિયા તાલુકાનો રહેવાસી છે. આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તેની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર એક સંદેશ મળ્યો હતો, જેમાં મોકલનાર વ્યક્તિએ સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેના Y-પ્લસ સુરક્ષાવાળા ઘરમાં હુમલો કરવાની ધમકી આપી હતી. આ પછી, મુંબઈની વર્લી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2)(3) (ગુનાહિત ધાકધમકી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો અને બાંદ્રા વિસ્તારમાં ખાનના નિવાસસ્થાનની બહાર સુરક્ષા કડક કરી દીધી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસ બાદ મુંબઈ પોલીસને જાણવા મળ્યું કે ધમકીભર્યો સંદેશ વડોદરાના વાઘોડિયા તાલુકામાં રહેતા એક વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "વાઘોડિયા પોલીસ સાથે મુંબઈ પોલીસની એક ટીમ વાઘોડિયા પોલીસ સાથે એક ગામમાં શંકાસ્પદ વ્યક્તિના ઘરે પહોંચી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે સંદેશ મોકલનાર 26 વર્ષીય વ્યક્તિ માનસિક દર્દી હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી." "મુંબઈ પોલીસે તેને હાજર થવા માટે નોટિસ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા." ગયા વર્ષે એપ્રિલમાં, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ખાનના ઘરની બહાર બે મોટરસાઇકલ સવાર માણસોએ ચાર રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી.
સલમાન ખાનને અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી હતી, જેમાં તેમને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ કાળા હરણના કથિત હત્યા અંગે બિશ્નોઈ સમુદાયની માફી નહીં માંગે તો તેમના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ધમકીઓ બાદ, મુંબઈ પોલીસે તેમને Y-પ્લસ સુરક્ષા પૂરી પાડી. ગયા વર્ષે ગોળીબારની ઘટનાના થોડા અઠવાડિયા પછી, નવી મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગ દ્વારા ખાનની હત્યા કરવાના કાવતરાનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. આ ગેંગે સલમાન ખાનની મુંબઈ નજીક પનવેલ સ્થિત તેના ફાર્મહાઉસની મુલાકાત દરમિયાન હત્યાનું કાવતરું ઘડ્યું હતું.